ટંકારા: મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલી અમરાપર પ્રાથમિક શાળાએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ ધોરણ 5 માં લેવાતી CET (Common Entrance Test), ધોરણ 6 માં લેવાતી PSE (પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા), અને ધોરણ 8 માં લેવાતી NMMS (નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશિપ) તેમજ CGMS (ચિલ્ડ્રન્સ ગ્રાન્ટ મીન્સ સ્કોલરશિપ) સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.આ શાનદાર પ્રદર્શન બદલ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા અમરાપર શાળાને વિશેષ અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ધોરણ 8 માં NMMSની પરીક્ષામાં આ શાળાની બે વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળાને સન્માન અપાવ્યું હતું. શાળાના આચાર્ય રાજેશભાઈ ગાંભવાએ આ સિદ્ધિ બદલ સમગ્ર સ્ટાફની મહેનત અને સમર્પણની સરાહના કરી હતી અને સૌને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.