મોરબી સો ઓરડી નજીક રચના સોસાયટીના લોકો ગંદકી અને ગંદુ પાણી પીવા મજબુર મોરબી : મોરબી પાલિકા અને પાણી પુરવઠા વિભાગની બેદરકારીને કારણે કલેકટર કચેરી નજીક જ ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઈનનો સંગમ થઈ જતા લોકો ગંદકી સહન કરવા અને ગંદુ પાણી પીવા મજબુર બન્યા છે. મોરબી જિલ્લા સેવા સદન રોડ ઉપર આવેલી રચના સોસાયટી નજીક પાણી પુરવઠા વિભાગની લાઈનમાં લાંબા સમયથી ભંગાણ સર્જાયુ છે અને આ ભંગાણ નજીક જ ભૂગર્ભ ગટરના પાણી પણ છલકી રહ્યા હોય પીવાના પાણીની લાઈનમાં ગટરના પાણી ભળી જતા રોગચાળાનો ખતરો પણ સર્જાયો છે. બીજી તરફ ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠા બોર્ડની લાઈનમાં ભંગાણને કારણે આ ગંદા પાણી આજુબાજુની સોસાયટીઓ અને મુખ્યમાર્ગો ઉપર ફરી વળતા લોકોને ચાલીને નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ ગંભીર બાબતે અહીંના સ્થાનિક નાગરિક પ્રફુલભાઈ ગઢવીએ સંબંધિત વિભાગોને ફરિયાદ કરવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.