આરોગ્યતંત્ર ફોન કરવા છતાં માટે રસીકરણ માટે ન આવતા યુવાનોને વિનામૂલ્યે મળતી કોરોના રસીની કિંમત નથી મોરબી : મોરબી જિલ્લામાં 18થી 44 વર્ષની વયજૂથના યુવાનો માટે 15 સેન્ટર ઉપર કોરોના વેક્સિનેશન શરૂ થતા યુવાનો હોંશભેર રસી મુકાવી રહ્યા છે. પરંતુ હજુ કેટલાક યુવાનો એવા છે કે કોઈના કોઈ કારણોસર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ વેક્સિનેશન માટે જતા નથી. પરિણામે આવા 200થી 300 ડોઝ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી શકતા ન હોવાનું સામે આવ્યુ છે. કેન્દ્ર રાજ્ય સરકારની સૂચના મુજબ મોરબી જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં 15 સ્થળે કોરોના વેક્સિનેશન શરૂ કરાયું છે અને વેક્સિનેશન માટે આગલા દિવસે રજીસ્ટ્રેશન શરૂ થતાની સાથે જ કલાકોના સમયગાળામાં જ તમામ સ્લોટ બુક થઇ જાય છે. પરંતુ કેટલાક યુવાનો રજીસ્ટ્રેશન બાદ બેદરકાર સાબિત થઇ રહ્યા છે અને રજીસ્ટ્રેશન કરાવવા છતાં સમયસર રસીકરણ કેન્દ્ર ઉપર જતા નથી. પરિણામે દરરોજ જિલ્લામાં 3000 લોકોને બદલે 2700 થી 2800 લોકોનું જ રસીકરણ થાય છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતીરાએ જણાવ્યું હતું કે, હાલમાં જિલ્લામાં 18થી 44 વર્ષ અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પૂરતો વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. જો કે, કેટલાક યુવાનો રજીસ્ટ્રેશન બાદ રસી મુકાવવા આવતા ન હોય જિલ્લાના તમામ યુવાવર્ગના લોકોને રજીસ્ટ્રેશન બાદ સમયસર રસીકરણ કેન્દ્ર ખાતે પહોંચી રસીકરણ કરાવી લેવા ભારપૂર્વક અપીલ કરી છે. અને સાથો સાથ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ વેક્સિનેશન માટે નહીં આવવાની આળસ છોડવી જોઈએ. તેમ પણ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, જે તે સેન્ટર ઉપર રસીકરણ માટે નોંધણી કરાવી સમયસર ન આવનાર યુવાવર્ગને આરોગ્ય વિભાગ દ્વારા ફોન કરીને બોલાવાતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વિદેશ જવા ઇચ્છુક ત્રણ યુવાનોનું રજીસ્ટ્રેશન હાલમાં કોવીશીલ્ડ વેક્સીનનો એક ડોઝ લીધા બાદ બીજા ડોઝ માટે સરકારની ગાઇડલાઇન પ્રમાણે 84 દિવસનો સમયગાળો નક્કી કરાયો છે. પરંતુ વિદેશ જવા ઇચ્છુક લોકો માટે સરકારના નિયમ મુજબ નોંધણી કરાવ્યે વહેલાસર બીજો ડોઝ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અન્વયે મોરબી જિલ્લામાં આવા ત્રણ વિદ્યાર્થીઓએ અરજી કરી હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કર્યું છે.