તબીબોએ જહેમત ઉઠાવી લિવરમાંથી ૧૨ સેમીની ચેપયુક્ત ગાંઠને દૂર કરી : ખાનગી હોસ્પિટલમાં દોઢથી બે લાખમાં થતી સર્જરી અહીં નિઃશુલ્ક થઈમોરબી: મોરબીની જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલે વધુ એક વખત ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. હોસ્પિટલના નિષ્ણાત ડોકટરો દ્વારા એક ૪૫ વર્ષીય પુરુષ દર્દીના લિવરમાંથી ૧૨ સે.મી.ની ચેપયુક્ત ગાંઠ (હાઇડેટિડ સિસ્ટ) દૂર કરવા માટે અંદાજિત રૂ. ૧.૫ થી ૨ લાખ ખર્ચાળ એવી લેપરોસ્કોપિક હાઇડેટિડ સિસ્ટ એક્સિઝન સર્જરી વિનામૂલ્યે સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા એક વર્ષથી ઉપરના પેટમાં દુખાવો અને તાવની ફરિયાદ ધરાવતા એક ૪૫ વર્ષીય દર્દીએ અગાઉ અનેક ડોકટરોની સલાહ લીધી હતી. પરંતુ તેમની સમસ્યાનું નિદાન થઈ શક્યું ન હતું. આખરે, ૦૭-૦૮-૨૦૨૫ના રોજ તેઓ જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ, મોરબીના ઓપીડીમાં આવ્યા. અહીં તપાસ દરમિયાન તેમને લિવરમાં ૧૨ સે.મી.ની ચેપયુક્ત ગાંઠ (હાઇડેટિડ સિસ્ટ) હોવાનું જણાયું હતું જેને સર્જરી કરવી અનિવાર્ય હતી.હોસ્પિટલના સર્જન ડૉ. વિમલ દેત્રોજા અને ડૉ. નિશિથ પટેલ દ્વારા ૦૮-૦૮-૨૦૨૫ના રોજ આ લેપરોસ્કોપિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી. ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરીનો અંદાજિત ખર્ચ ૧.૫ થી ૨ લાખ રૂપિયા થતો હોય છે, ત્યારે જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલમાં આ સારવાર સંપૂર્ણપણે મફતમાં પૂરી પાડવામાં આવી. સર્જરી બાદ દર્દીની તબિયત સુધારા પર હતી અને તેમને ૧૧-૦૮-૨૦૨૫ના રોજ સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી હતી.