ફાયર બ્રિગેડ દ્વારા રહેણાંક, વાણિજ્ય, પાર્ટી પ્લોટ, હોટલ સિનેમાઘરોને બબ્બે નોટિસો ફટકારી દીધી : હવે ત્રીજી અને આખરી નોટિસ બાદ સિલિંગના નિર્દેશ મોરબી : મોરબી શહેરમાં બિલ્ડીંગ યૂટિલાઇઝેશન એટલે કે બાંધકામ મંજૂરી બાદ બાંધકામ વપરાશ અંગેના પ્રમાણપત્ર અને ફાયર એનઓસી મામલે અંતે નગરપાલિકા દ્વારા ધોકો પછાડવામાં આવ્યો છે. મોરબી પાલિકાના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા હાલમાં શહેરના રહેણાંક, વાણિજ્ય અને એસેમ્બલી એટલે કે પાર્ટી પ્લોટ, સિનેમા હોલ અને સમાજની વાડી જેવા બાંધકામ ધારકોને એક નહીં બબ્બે નોટિસો ફટકારી દીધી છે અને હવે આખરી ત્રીજી નોટિસ ફટકારી બાદમાં નિયમ મુજબ આવા બાંધકામો સીલિંગ કરવાંના નિર્દેશો પણ મળી રહ્યા છે. હાલમાં સરકારના આદેશ મુજબ મહાનગર અને નગરપાલિકા વિસ્તારમાં બાંધકામ મંજૂરી બાદ બાંધકામ વપરાશ અંગેના પ્રમાણપત્ર ન હોય તેમજ ફાયર એનઓસી ન હોય તેવા રહેણાંક, વાણિજ્ય, હોસ્પિટલ સહિતના તમામ બાંધકામો સીલ કરવા કડક હાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવતા મોરબી નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા મોરબી શહેરમાં આવેલા રહેણાંક, વાણિજ્ય અને પાર્ટી પ્લોટ સહિતના બાંધકામોને ધડાધડ નોટિસ ફટકારવાનું ચાલુ કર્યું છે. આ મામલે મોરબી નગર પાલિકાના ફાયરબ્રિગેડ વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં મોરબીમાં 150 જેટલા બહુમાળી રહેણાંક બાંધકામ, સુપર માર્કેટ, માધવ માર્કેટ, સહિતના કોમર્શિયલ બિલ્ડીંગોના ધારણકર્તાઓ ઉપરાંત હોલ, પાર્ટીપ્લોટ, સિનેમાઘર જેવા 40 એસેમ્બલી પ્રકારના બાંધકામ ધારકોને બિલ્ડીંગ યૂટિલાઇઝેશન તેમજ ફાયર એનઓસી મામલે બબ્બે નોટિસ ફટકારવામાં આવી છે. વધુમાં હાલમાં અગાઉ બબ્બે નોટિસ ફટકાર્યા બાદ હવે નગરપાલિકા દ્વારા નિયમ મુજબ ત્રીજી અને આખરી નોટિસ ફટકારવાઆ આવશે અને ત્યાર બાદ પણ જો જે તે બાંધકામ વપરાશ અંગેનું પ્રમાણપત્ર કે ફાયર એનઓસી નહીં મેળવવામાં આવે તો નિયમ મુજબ સીલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે મોરબીના રવાપર રોડ અને શનાળા રોડ ઉપર અનેક એવા બાંધકામો છે કે જેની બાંધકામ અંગેની મંજૂરી પણ લેવાઈ નથી ત્યારે આગામી સમયમાં મોરબી પાલિકાના ભાજપી શાસકો અને ચીફ ઓફિસર આવા ગેરકાયદે બાંધકામો અંગે કેવું વલણ અપનાવાશે તે આવનારો સમય બતાવશે.