માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ સવારના 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે મોરબી : મોરબી પંથકમાં કોરોના મહામારી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં સઘન તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના ભરતનગર ગામે ગ્રામ પંચાયત દ્વારા કોરોનાનું સંક્રમણ ટાળવા માટે આજે તા. 22 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આથી, દરેક ગામલોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ભરતનગર ગામે લાગુ કરેલા લોકડાઉનમાં દરેક ગામલોકોને યોગ્ય સાથ સહકાર આપવાની ગ્રામ પંચાયત દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. અને દરેક ગામલોકોને અગત્યના કામે બહાર નીકળતી વખતે માસ્ક ફરજિયાત પહેરવા તેમજ બહારગામના વ્યક્તિઓ તેમજ છૂટક વસ્તુ વેચવા આવતા રેકડી કે ફેરિયાઓને પણ ગામમાં પ્રવેશવા પર સખત મનાઈ ફરમાવી દેવાઈ છે. લોકડાઉન દરમિયાન અનાજ-કરીયાણા, દૂધ, શાકભાજી સહિતની આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો સવારના 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ સિવાયની પાન-માવા, ચા-નાસ્તા સહિતની દુકાનોને બંધ રાખવાનું ફરમાન કરાયું છે. આ લોકડાઉનનું પાલન ન કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાનું ભરતનગર ગ્રામ પંચાયતે જણાવ્યું હતું.