25 જેટલા અરજદારોએ ક્રમશ કમિશનર સમક્ષ કરી લેખિત રજુઆત : ટંકારાના ધારાસભ્ય પણ રજુઆત માટે આવ્યામોરબી : મોરબી મહાનગર પાલિકાના કમિશનર દ્વારા દર સોમવાર અને ગુરુવારે લોકોને રૂબરૂ સાંભળવામાં આવશે તેવી જાહેરાત કરતા જ આજે ગુરુવારે મોરબી શહેરભરમાંથી લોકો રજુઆત માટે દોડી આવ્યા હતા અને અંદાજે બે કલાક સુધી લોકોએ પોતાના વ્યક્તિગત તેમજ જાહેર સમસ્યાને લઈ રજૂઆતોનો મારો ચલાવ્યો હતો. ખાસ કરીને નાગરિકોએ બીપીએલ કાર્ડ, દબાણ, નવેરાના હલણ, પાણી ન આવવું અને લાતીપ્લોટના ગારા કીચડ સહિતના 25 જેટલા અલગ અલગ પ્રશ્નો રજૂ કર્યા હતા આ ઉપરાંત ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય પણ રજુઆત માટે દોડી આવ્યા હતા.મોરબી મહાનગર પાલિકા બની જતા લોકોને પોતાના વર્ષો જુના પ્રશ્નો કમિશ્નર ઉકેલશે તેવી આશાએ લેખિત અને મૌખિક રજુઆત માટે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે પાસે આવી પહોંચ્યા હતા જેમાં નાની બજાર ઘંટીયાપાયામાં રહેતા અશોકભાઈ બી.પરમારે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, તેમની પાસે નગરપાલિકા સમયનું બીપીએલ પૂઠું છે જેમાં કર્મચારી દંગીભાઈ નામ કમી નથી કરી આપતા. એ જ રીતે સામાકાંઠા વિસ્તારમાં સો-ઓરડી સહિતના એરિયામાં કચરાગાડી કચરો લેવા આવતી ન હોવાની ફરિયાદ કોંગ્રેસ મહામંત્રી વસીમભાઇ મન્સુરીએ કરી હતી. જયારે રોહિદાસપરામાં રહેતા કેશવલાલ છગનલાલ શુક્લએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, તેમના ઘર પાસે સીસીરોડ બન્યો ત્યારે યોગ્ય કામ ન થયું હોવાથી ઘર પાસે પાણીના તળાવ ભરાઈ છે જેથી તાત્કાલિક સ્થળ તપાસ કરવી.____________________________લાતીપ્લોટમાં આવો, અહીં 4-4 ફૂટ ગારો છે : નારણભાઇ રાઠોડ મોરબી શહેરના સૌથી ગંદા ગણાતા લાતીપ્લોટ વિસ્તારની સમસ્યાને વાચા આપવા માટે અરજદાર નારણભાઇ રાઠોડે મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરતા જણાવ્યું હતું કે, લાતી પ્લોટ 7 માં છેલ્લા ઘણા સમયથી 4-4 ફૂટ સુધીનો ગારો છે, ગટર સતત ઉભરાઈ છે, અવાર નવાર વાહન પણ ફસાઈ જાય છે, અનેક રજૂઆતો કરી છે પણ કોઈ ઉકેલ આવતો નથી.____________________________જનક સોસાયટીમાં એક વર્ષથી પાણી નથી આવતું : જિન્નતબેન મ્યુનિસિપલ કમિશનર ખરે સમક્ષ જીન્નતબેન રાઉમાં સહિતના મહિલાઓએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, પંચાસર રોડ ઉપર આવેલ ન્યુ જનક સોસાયટીમાં છેલ્લે 12 મહિનાથી પાણી આવતું નથી અને જયારે આવે છે ત્યારે ગટરની તીવ્ર દુર્ગંધ વાળું પાણી આવે છે.____________________________લાયન્સનગરમાં ગટરની વ્યવસ્થા કરાવો : મીઠાભાઇ ધંધુકિયા મોરબી શહેરના નવલખી રોડ પર આવેલ લાયન્સનગરમાં રહેતા મીઠાભાઇ કરશનભાઇ ધંધુકિયા સહિતના લતાવાસીઓએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજુઆત કરતા જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ગટરની કે રોડ રસ્તાની સુવિધા જ નથી.અહીં વખાર પાછળના વિસ્તારમાં ગટર ન હોવાથી વ્યાપક ગંદકી ફેલાઈ રહી છે.____________________________શ્રધ્ધાપાર્કમાં સ્ટ્રીટલાઈટ અને રોડની સુવિધા આપો મોરબી શહેરના નવલખી રોડ ઉપર રણછોડનગર નજીક આવેલ શ્રધ્ધા સોસાયટી, યમુના નગર અને નીલકંઠ સોસાયટીમાં વર્ષોથી સેંકડો લોકો વસવાટ કરે છે પરંતુ આ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ કે રોડની સુવિધા ન હોવાથી ત્રણેય સોસાયટીના રહેવાસીઓએ સામુહિક રીતે મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી હતી.____________________________ધારાસભ્યને કહી કહીને થાક્યા, હવે તમે રોડ બનાવી આપો મોરબી શહેરની બક્ષી શેરીમાં રહેતા નાગરિકોએ મ્યુનિસિપલ કમિશનરને સામુહિક રજુઆત કરતા જણાવ્યું હતું કે, અમે લોકોએ લખધીરવાસ વિસ્તારમાં રોડ બનાવી આપવા માટે ધારાસભ્યને અનેક રજુઆત કરી છે પરંતુ આજદિન સુધીમાં આ રજૂઆતનું કઈ ઉપજ્યું નથી જેથી સત્વરે અમારા વિસ્તારમાં રોડ બનાવી આપો એવી અમારી માંગણી છે.____________________________ગજબનું ઇજનેરી કૌશલ્ય ! ગટરના ઢાંકણ રોડ નીચે દટાઈ ગયા મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સાત હનુમાન સોસાયટીના રહીશોએ આશ્ચર્યજનક ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમા ભૂગર્ભ ગટર જામ થતા પાલિકાને ફરિયાદ કરી હતી તો પાલિકાએ એવો જવાબ આપ્યો હતો કે અહીં નવો રોડ બનતા ભૂગર્ભ ગટરના ઢાંકણ રોડ નીચે દબાઈ ગયા છે જેથી આ સમસ્યા તો રહેશે જ, આ સંજોગોમાં સ્થાનિકોએ ભૂગર્ભની ગંદકીમાંથી મુક્ત કરાવવા ગુહાર લગાવી હતી.____________________________નગરપાલિકા હતી ત્યારે અરજી આપવા છતાં બિયું પરમિશન નથી મળતી : બિપિન ભટ્ટ મોરબી શહેરમાં અનેક ગેરકાયદે બાંધકામો આવેલા છે, હાલમાં મહાનગર બની જવા છતાં કૌભાંડી અને વગદારો ખુલ્લે આમ બાંધકામો કરી રહ્યા છે ત્યારે સામાન્ય નાગરિક બીપીનભાઈ ભટ્ટ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, હું વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી નગરમાં રહું છું બીયું પરમિશન માટે એક મહિનાથી અરજી આપી છે પરંતુ હજુ સુધી બિયું પરમિશન મળેલ નથી.____________________________ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પણ રજુઆત કરવા પહોંચ્યાટંકારા વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પણ કમિશ્નર સમક્ષ રજુઆત માટે આવ્યા હતા તેમને રજુઆત કરી હતી કે, જે ગામો મહાપાલિકામાં ભળ્યા છે તેમાં જે 2 કરોડના કામો પૂર્ણ થયા છે અને કમ્પ્લીસન અપાય ગયેલ છે તેનું પેમેન્ટ કરવા અને જે અલગ અલગ કામોના વર્ક ઓર્ડર અપાય ગયેલ છે તે કામો ચાલુ કરી પૂર્ણ કરવા રજુઆત કરી હતી.____________________________લોકોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરાશે - કમિશ્નરઆજે આવેલી લોકોની રજૂઆતો અંગે કમિશ્નર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે લોકોની રજૂઆત સાંભળી છે જેમાંથી લાઈટ, ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે એ માટે કામગીરી કરવામાં આવશે. અને રોડ - રસ્તાના કામો ગ્રાન્ટ આવે ત્યારબાદ કરવામાં આવશે.____________________________