મોરબી : રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ નોંધાયેલા તેમજ બીપીએલ કાર્ડધારકોને રાશનકાર્ડ પર અત્યાર સુધી અનાજ તેમજ અન્ય ખાદ્ય પુરવઠો મળતો હતો. જો કે કોરોના મહામારીને લઈને ગુજરાત સરકાર દ્વારા એપીએલ કાર્ડ ધારકોને પણ હાલ અન્ય કેટેગરીનાકાર્ડ ધારકોની માફક નિઃશુલ્ક રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ઘણી દુકાનો પરથી ગ્રાહકોને સડેલા ઘઉં તેમજ માન્ય માપદંડોમાં ખરા ન ઉતરે એવા ઘઉંનું મિક્સિંગ કરીને વિતરણ કરવાની ફરિયાદો ઉઠી રહી છે. મહેન્દ્રનગર તેમજ દરેડી વિસ્તારમાં વિતરિત થયેલા ઘઉંમાં આ પ્રકારની ગંભીર ફરિયાદો ઉઠી છે. સોશિયલ મીડિયામાં આવા સડેલા ઘઉંના વિડીઓ વાયરલ થયા છે. ત્યારે એ સવાલ ઉઠે છે કે પુરવઠાના ગોડાઉનમાંથી જ આ પ્રકારનો જથ્થો દુકાનદારોને પૂરો પાડવામાં આવે છે કે અન્ય જગ્યાએથી તેમાં મિલાવટ થાય છે. તંત્ર આ બાબતે યોગ્ય તપાસ કરે એવી લોક માંગણી પ્રબળ બની રહી છે. લોકોમાં થતી ચર્ચા પ્રમાણે આ પ્રકારનું વિતરણ એ મજબુર નાગરિકોની મજાક સમાન છે.