મીઠાના ઉત્પાદન માટે મંગેલી જમીન સરકારે આપવાનો ઇન્કાર કરતા આરોપીએ મીઠાનું ઉત્પાદન ચાલુ કરી દેતા અંતે ફરિયાદ નોંધાઈ : પોલીસે આરોપીને સંકજામાં લઇ વિધિવત ધરપકડની તજવીજ હાથ ધરી માળીયા (મી.) : માળીયાના હરિપર ગામે એક શખ્સે જમીન પર કબજો કરી મીઠાનું ઉત્પાદન ચાલુ કરી દેતા લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં આરોપીએ મીઠાના ઉત્પાદન માટે સરકાર સમક્ષ જમીનની માંગણી કરી હતી. પણ સરકારે જમીન આપવાની ના પાડી હોવા છતાં આરોપીએ સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવીને મીઠાનું ઉત્પાદન ચાલુ કરી દેતા અંતે તેની સામે ગુન્હો નોંધાયો છે. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને સંકજામાં લઈને તેના કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ વિધિવત ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવ અંગે માળીયા (મીં.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી.)ના સરવડ ગામે ઉમિયાનગર સોસાયટીમાં રહેતા ધર્માજી ચાંદાજી પરમાર (ઉ.વ.૫૬ ધંધો નોકરી) એ આરોપી જાનમામદ અલીયાસભાઇ સંઘવાણી (રહે-માળીયા મીંયાણા) સામે ગુજરાતમાં જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વટહુકમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા-૧૫/૦૧/૨૦૨૧ ના રોજ માળીયાના હરીપર ગામની સીમ સર્વે નંબર- નીલવાળી જમીન પર આરોપી ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો. જેમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વટહુકમ ૨૦૨૦ ની કલમ ૪(૧)(૩), ૫(ગ) મુજબ આરોપીએ હરીપર ગામની સર્વે નંબર- નીલ ની ૧૦ એકર જમીન સરકારને મીઠા ઉત્પાદનના હેતુ માટે ભાડા પેટે મળવા માંગણી કરેલ હતી. જે મંજુર થયેલ ન હોવા છતા સરકારની હરીપર ગામની સરકારી જમીન ઉપર ગે.કા રીતે કબજો કરી મીઠુ ઉત્પાદન કરી આર્થીક ફાયદો મેળવી સરકારી જમીન પચાવી પાડી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ બાદ આરોપીને ઝડપી લઈ તેના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ વિધિવત ધરપકડની તજવીજ હાથ ધરી છે.