ડે. સીએમ સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરાઈ મોરબી : મોરબીની પેટા ચૂંટણીના પ્રચાર દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક જાહેર સભામાં અનુસૂચિત જાતિના ગેર બંધારણીય શબ્દનો ઉપયોગ કરીને અનુસૂચિત જાતિને અપમાનિત કર્યાની ફરિયાદ સાથે એક નાગરિકે એસપીને લેખિતમાં રજુઆત છે અને આ મામલે ડે. સીએમ સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે. મોરબીના લીલાપર ગામે રહેતા ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણાએ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, મોરબીની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારના સમર્થનમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ થોડા દિવસો અગાઉ મોરબી આવ્યા હતા અને તેમણે જાહેર સભા સંબોધી હતી. એ દરમ્યાન તેઓએ અનુસૂચિત જાતિ વિશે ગેર બંધારણીય શબ્દનો પ્રયોગ કરીને જાહેર સભામાં અનુસૂચિત જાતિને અપમાનિત કર્યા હોવાનું જણાવ્યું હતું. ભારત સરકારે અનુસૂચિત જાતિ વિશેના જે શબ્દ પર રોક લગાવી છે. તેવા ગેર બંધારણીય શબ્દનો આ નેતાએ જાહેરમાં ઉપયોગ કરીને અનુસૂચિત જાતિ સમુદાયની લાગણી દુભાવી છે આથી નાયબ મુખ્યમંત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી છે.