એક વર્ષ પૂર્વે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂ.17.39 લાખનું 21 હજાર લિટર નકલી ઓઇલ ઝડપી લીધું હતુંટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દરોડો પાડી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે એકાદ વર્ષ પૂર્વ ઝડપી લીધેલ નકલી એન્જીન ઓઇલ બનાવતી ફેકટરી ઝડપી લેવા પ્રકરણમાં ઓઇલ કંપનીના મેનેજરની ફરિયાદ બાદ એકાદ વર્ષના અંતે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર થયો છે. નોંધનીય છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા દરમિયાન 17.39 લાખની કિંમતનો 21 હજાર લિટરથી વધુ નકલી ઓઈલનો જથ્થો પકડી પાડ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ઓક્ટોબર 2024મા સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે લજાઈના મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ ગોડાઉનમાં જાણીતી બ્રાન્ડના નકલી કેન, ડબ્બા અને પાઉચ બનાવી હલકી ગુણવતા વાળું ઓઇલ પેકિંગ કરવાનું કારસ્તાન ઝડપી લીધું હતું. આ ઘટનામાં એસએમસીએ રૂપિયા 17.39 લાખની કિંમતનું 21 હજાર લિટરથી વધુ ઓઇલ ભરેલા 68 બેરલ, વિવિધ માપના પ્લાસ્ટિકના કેન, ડબ્બા તેમજ તૈયાર કરવામાં આવેલ નકલી ઓઈલના પાઉચ સહિતનો મોટો જથ્થો ઝડપી લીધો હતો.વધુમા એસએમસી ગાંધીનગરની ટીમના દરોડા બાદ આ ઓઇલ નકલી હોવાનો ફોરેન્સિક રિપોર્ટ આવી જતા જાણીતી ઓઇલ કંપનીના મેનેજર ફરિયાદી ગોવિંદન રંગનાથન કૌઉન્ડરની ફરિયાદને આધારે નકલી ઓઇલ બનાવતી ફેકટરીના ભાગીદાર એવા આરોપી અરુણ પટેલ રહે.મોરબી, મેહુલ ઠક્કર રહે, મોરબી અને નકલી ઓઇલના પાઉચ, પેકિંગ સહિતની મટીરીયલ બનાવી મોકલનાર દિલ્હીના સલમાનખાન વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.