વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર દિલુબા નરેન્દ્રસિંહ જાડેજાએ મતગણતરીની પ્રક્રિયા સામે ઉઠાવ્યા સવાલો: મોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં મોરબી જિલ્લામાં માળીયા વિસ્તારને બાદ કરતા કોંગ્રેસનો રકાસ થયો છે. ત્યારે મોરબી નગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૩ના મહિલા ઉમેદવારે મતગણતરીને પ્રક્રિયા સામે સવાલો ઉઠાવી ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરી છે. મોરબી શહેરના વોર્ડ નંબર ૩ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર દિલુબા નરેન્દ્રસિંહ જાડેજાએ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરતા આક્ષેપો કર્યા છે કે, ચૂંટણી પંચના નિયમો અનુસાર વોર્ડ નંબર 3નું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. જેમાં પ્રથમ બેઠક સ્ત્રી અનામતની અને ત્યાર પછીની બીજી બેઠક સામાન્ય કેટેગરીની છે. જેમાં સ્ત્રી અનામત બેઠકનું પરિણામ જાહેર કરતાં પહેલા તમામ ઉમેદવારોના મળેલ મત જોઈને પરિણામ પ્રસિદ્ધ કરવું જોઈએ; જે થયું નથી. સામાન્ય કેટેગરીની સ્ત્રી બેઠક પર નંબર 2 ક્રમના કમળાબેન બચુભાઈ વિડજા કે જેમને 3610 મળ્યા છે જ્યારે ક્રમાંક નંબર સાતના પ્રવિણાબેન જીતેન્દ્રકુમાર ત્રિવેદીને 3113 મત મળ્યા છે. તેમજ ક્રમાંક નંબર 4ના દિલુબા નરેન્દ્રસિંહ જાડેજાને 2283 અને ક્રમાંક નંબર 6ના પ્રકાશભાઈ વાલાભાઈ ચબાડને 3598 મત મળ્યા છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર ક્રમાંક નંબર 7 તેમજ સ્ત્રી અનામત બેઠક ઉપર વિજેતા જાહેર થવા જોઈએ અને ક્રમાંક નંબર 2ના ઉમેદવાર સામાન્ય બેઠક ઉપર વિજેતા જાહેર થવા જોઈએ.પરંતુ ક્રમાંક નંબર 2ના ઉમેદવારને સ્ત્રી બેઠક પર વિજેતા જાહેર કરેલ છે, જે ગેરબંધારણીય છે. આ અંગે કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ક્રમાંક નંબર 6ના ઉમેદવાર સાથે ક્રમાંક નંબર 2ના ઉમેદવારોના મતની સરખામણી કરી પરિણામ આપવું જોઈએ. જેમાં ક્રમાંક નંબર 4 અને ક્રમાંક નંબર 7 સ્ત્રી અનામત બેઠકો પર વિજય થાય અને ક્રમાંક નંબર 2 સામાન્ય બેઠક તેમજ અન્ય બેઠકમાં 3 અને 4 સાથે હરીફાઈ કરી શકે. ક્રમાંક નંબર 2ના ઉમેદવાર જનરલ બેઠક પર આવે. તો આ પરિણામ રદ કરી સ્ત્રી અનામત બેઠક ઉપર ક્રમાંક નંબર 4 અને 7ના ઉમેદવારને વિજેતા જાહેર કરવા જોઈએ. આમ પોતાની હારનું કારણ મતગણત્રીની પ્રક્રિયા નિયમાનુસાર ન હોવાનું કોંગ્રેસના મહિલા ઉમેદવારે જણાવ્યું હતું.