મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલી રોયલ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસથી પીવાના પાણીમાં ગટરનું પાણી આવતું હોવાની ફરિયાદ મહાનગરપાલિકા કચેરીએ રહીશો દ્વારા કરવામાં આવી છે.મોરબી મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા આવેલા રહીશોએ જણાવ્યું હતું કે, છેલ્લા 12 દિવસથી પીવાના પાણીમાં ગટરનું પાણી ભળીને આવી રહ્યું છે. જેના કારણે ચામડી સહિતના રોગ પણ ફાટી નીકળ્યા છે. આ પાણીમાંથી દુર્ગંધ આવી રહી છે. આ અંગે બે-ત્રણ વખત મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે આજે ફરીથી રોયલ પાર્ક સોસાયટીના રહેવાસીઓ મહાનગરપાલિકા કચેરીએ ભુગર્ભ વિભાગમાં રજૂઆત કરી છે. રહીશોની માગ છે કે તાત્કાલિક ચોખ્ખું પીવાલાયક પાણી આપવામાં આવે.