મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલા મિલન પાર્ક-2માં છેલ્લા ઘણા દિવસથી ગટર બ્લોક થઈ ગઈ છે અને પીવાના પાણીમાં પ્રદુષિત પાણી આવતું હોય આ અંગે રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાનું રહેવાસીઓએ જણાવ્યું હતું.મિલન પાર્ક-2ના રહીશોના જણાવ્યા પ્રમાણે તેમની સોસાયટીમાં ભુગર્ભ ગટર બ્લોક થઈ ગઈ છે અને પીવાના પાણીમાં પ્રદુષિત દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે. જેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. આ અંગે 8 દિવસ પહેલા ઓનલાઈન રજૂઆત કરવામાં આવી હતી. ફોન પર પણ ફરિયાદ જણાવી હતી. પરંતુ મહાનગરપાલિકા દ્વારા કાલે થઈ જશે તેમ જવાબો આપવામાં આવી રહ્યા છે. એક વખત આવીને 3 કુંડી સાફ કરીને માણસો જતા રહ્યા હતા જો કે પીવાના પાણીમાં ગંદુ પાણી આવતું હોવાની સમસ્યાનું કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન ન આપી રહ્યું હોવાનો રહીશો આરોપ લગાવી રહ્યા છે અને ઝડપથી આ સમસ્યાનું સમાધાન થાય તેવી ઉગ્ર માગ કરી રહ્યા છે.