ગામના સરપંચે અજાણ્યા શખ્સો સામે ગૌવંશ ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હળવદ : હળવદના માથક ગામે બે દિવસ પહેલા સાત જેટલા ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથીયાર વડે ઘાતકી હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ગૌપ્રેમીઓઓમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. એકસાથે એટલા ગૌવશ ઉપર નિર્દયી હુમલાથી જવાબદાર નરાધમો સામે નફરતની આંધી ઉઠી છે. આથી, આ નરાધમોને કડકમાં કડક સજા થાય તે માટે ગામના સરપંચે અજાણ્યા શખ્સો સામે ગૌવશ ઉપર હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગૌવંશ ઉપર હુમલાની ઘટનાની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના માથક ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં સાત જેટલા ગૌવંશ ઉપર કોઈ ધરધાર હથિયારો વડે નિર્દયી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગત તા.૧૦ના રોજ કોઇ અજાણ્યા ઇસમે ગાય જીવ-૧ તથા ખુંટીયા જીવ ૬ને કોઇ તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આટલા ગૌવંશ ઉપર હુમલો કરાતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જો કે ગંભીર ઇજાગ્રસ્ત તમામ ગૌવંશને સઘન સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવથી નાના એવા ગામમાં ગૌવંશ ઉપર હુમલો કરનાર અજાણ્યા નરાધમો સામે ફિટકારની લાગણી વરસી છે. આથી, અજાણ્યા નરાધમોને સખતમાં સખત સજા મળે તે માટે માથક ગામના સરપંચ વાઘજીભાઇ મનુભાઇ પરમાર (ઉ.વ ૫૪) એ અજાણ્યા શખ્સો સામે ગૌવંશ ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. આથી, હળવદ પોલીસે આ ફરિયાદ સંદર્ભે અજાણ્યા શખ્સો સામે પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ પંથકમાં વારંવાર ગૌવંશ ઉપર હુમલાની ઘટનાઓ બને છે. જેમા થોડા સમય પહેલા ગૌવંશ ઉપર એસિડ એટેકની ઘટના બહાર આવી હતી અને આ મામલે ફોજદારી ગુન્હો પણ નોંધાયો હતો. તેમ છતાં ગૌવંશ ઉપર ઘાતકી હુમલાના બનાવનો સિલસિલો અટક્યો નથી અને ગૌવંશ ઉપર નિર્દયી હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. તેથી, જવાબદારો સામે પોલીસ કડક હાથે કામ કરીને આ બનાવો ફરી ન બને તેવી દાખલારૂપ સજા કરે તેવી ગૌપ્રેમીઓમાં માંગ ઉઠી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate