તાલુકા પોલીસ મથકમાં સાત મહિનાથી ફરજ પર ગેરહાજર રહેનાર કોન્સ્ટેબલ વિરુદ્ધ પીઆઇએ ફરિયાદ નોંધાવીમોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે, એસઓજીમાંથી મોરબી તાલુકા પોલીસ મથકમાં બદલી થયેલ પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા 219 દિવસથી ફરજ પર હાજર ન થતા અંતે મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇએ જાતે ફરિયાદી બની પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરજનો અનાદર કરવા સબબ ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, એસઓજી જેવી મહત્વની પોલીસ બ્રાન્ચમાં નોકરી કરનાર પોલીસ કર્મી વિરુદ્ધ તાજેતરમાં છતર નજીક કરોડોના વિદેશી દારૂ પ્રકરણમાં સંડોવણી પણ ખુલી હતી.પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં રહેતા અને એસઓજી બ્રાન્ચમાંથી તાલુકા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે બદલી પામેલ માણસુરભાઈ દેવદાનભાઈ બકલ નંબર 392ની તા.9-12 - 2024થી બદલી થયા બાદ પીઆઇ દ્વારા આમરણ બીટમાં આઉટપોસ્ટ ખાતે ફરજ સોંપવામાં આવી હતી. જે બાદ બેન્ક બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો.પરંતુ પોલીસ કોન્સ્ટેબલ માણસુરભાઈ તા.16- 5 - 2025થી મનસ્વી રીતે ફરજ પર ગેરહાજર રહેતા અલગ અલગ ત્રણ નોટિસ ફટકારી ફરજ પર હાજર થવા તાકીદ કરવા છતાં ફરજ પર ગેરહાજર રહેતા અંતે ગુજરાત પોલીસ એકટની કલમ 145 મુજબ ફરજનો અનાદર કરવા સબબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ટંકારાની છતર જીઆઇડીસીના ગોડાઉનમાં કરોડો રૂપિયાના વિદેશી દારૂ પ્રકરણમાં પણ કોન્સ્ટેબલ માણસુરભાઈની સંડોવણી ખુલી હતી.