ખેડૂતોની લડાઈ કંપની અને સરકાર સામે છે, પોલીસ પ્રશાસન સામે નહીં; ભવિષ્યમાં ખેડૂતો પર દમન ન થાય તેવી બાંહેધરી માંગવામાં આવી : પંકજ રાણસરિયામોરબી : જેતપર ગામે વીજલાઈનનું કામ અટકાવતા ખેડૂતોને પોલીસે ડિટેઇન કર્યા બાદ ખેડૂતોએ ચક્કાજામ શરૂ કર્યો હતો. ત્યારે પોલીસે બહેનો ઉપર લાઠી ચાર્જ કર્યો હોય આ મામલે ખેડૂતો દ્વારા જિલ્લા પોલીસ વડાને રજુઆત કરવામાં આવી છે. ખેડૂતો ટ્રેકટર રેલી સ્વરૂપે આજે જેતપરથી મોરબી પહોંચ્યા હતા. અહીં જિલ્લા કલેકટરને રજુઆત કર્યા બાદ ખેડૂતોએ જિલ્લા પોલીસ વડાને પણ રજુઆત કરી હતી. આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયાએ જણાવ્યું હતું કે ખેડૂત પોતાના હક માટે લડી રહ્યો છે. કંપનીઓ 1 પણ રૂપિયાનું વળતર આપ્યા વગર ખેડૂતોના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સાથે થાંભલા નાખવા પહોંચી જાય છે. જ્યારે ખેડૂત પોતાના બાપદાદાના ખેતરમાં આ કામ અટકાવવા જાય છે ત્યારે ઘર્ષણ થાય છે. પંકજભાઈ રાણસરિયાએ સ્પષ્ટ કર્યું હતું કે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે, પરંતુ ખેડૂતો પર દમન ગુજારે તે યોગ્ય નથી. ખેડૂત પુત્ર તરીકે એસપી પાસે માંગણી કરવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈ પણ ખેડૂત, ખેડૂત પુત્ર, માતા-બહેન કે દીકરી પર લાઠીચાર્જ કે દમન ન થાય તેવી બાંહેધરી આપવામાં આવે. તંત્ર તરફથી બાંહેધરી આપવામાં આવી છે કે ખેડૂતો અને આગેવાનો સાથે સમજાવટના પ્રયાસો કરવામાં આવશે. પંકજભાઈ રાણસરિયાએ વધુમાં ઉમેર્યું હતું કે આ લડાઈ પોલીસ પ્રશાસન સામે નથી, પરંતુ થાંભલા નાખવા આવતી કંપનીઓ અને સરકાર સામે છે. ખેડૂતો તરફથી પણ પોલીસ તંત્રને સહકાર રહેશે, પરંતુ ભવિષ્યમાં લાઠીચાર્જનો બનાવ બીજી વાર ન બને તેવી ખાતરી પોલીસ પ્રશાસન તરફથી આપવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #Morbi #FarmersProtest #AAPGujarat #PankajRansariya #GujaratNews #MorbiPolice