હળવદ : હળવદના કોઈબા ગામ નજીક સંતરામપુર-મોરબી રૂટની એસટી બસને ઠોકર મારી પલ્ટી ખવડાવી દેનાર ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા 17 પેસેન્જર તેમજ બસના ડ્રાઈવર કંડકટરને સામાન્ય મૂંઢ ઈજાઓ થઇ હતી.પ્રાપ્ત વિગતો મુજબ સંતરામપુર ડેપોની જીજે-18-ઝેડ-8311 નંબરની સંતરામપુરથી મોરબી રુટની એસટી બસ મોરબી આવતી હતી ત્યારે મંગળવારે સાંજના પાંચ વાગ્યાના સુમારે એસટી બસ હળવદના કોઈબા ગામના પાટીયા પાસે પહોંચતા ટ્રક ટ્રેઇલર નંબર આરજે-52-જીએ-5763ના ચાલકે ટ્રેઇલરના ઠાઠાની ઠોકર મારતા એસટી બસ પલટી મારી ગયી હતી. બસ પલટી મારી જતા બસમાં રહેલા 17 મુસાફરો અને ડ્રાઇવર કંડકટરને નાના મોટી ઈજાઓ પહોંચતા આજુબાજુમાં લોકો આવી બસની અંદર રહેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. જો કે, અકસ્માત સર્જી ટ્રક ટ્રેઇલર ચાલક પોતાના હવાલવાળું ટ્રક ટ્રેઇલર લઈને ઘટના સ્થળેથી હળવદ બાજુ નાસી ગયો હતો.વધુમાં તમામ પેસેન્જર તથા બસના ડ્રાઈવર કન્ડક્ટરને ૧૦૮ મારફત હળવદ સરકારી હોસ્પિટલમાં સારવારમાં લાવતા ડ્રાઈવર વેચાતભાઈને કપાળના ભાગે ઇજા થતા તેમને ટાકા આવેલ તથા પગના ભાગે મૂઢ ઈજાઓ થઇ હતી તથા એસટી બસમાં સવાર તમામ પેસેન્જર તથા કંડકટરને સામાન્ય મૂઢ ઈજાઓ થતા બધા પ્રાથમિક સારવાર લીધી હતી. અકસ્માતની આ ઘટના અંગે એસટી બસના કંડક્ટર મનસુખભાઇ કાનાભાઇ ખાંટ,રહે. રીંગણીયા ગામ મહીસાગર જીલ્લા વાળાએ ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.