અરજી મળતા એ ડિવિઝન પોલીસે હાથ ધરી કાર્યવાહીમોરબી : મોરબીમાં ગત રાત્રીના ઈશુદાન ગઢવીની સભામાં પ્રશ્ન પૂછવા મામલે એક વ્યક્તિને લાફો પડ્યો હતો. આ બનાવ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં હવે આ મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરિયાદ નોંધી છે. ગત રાત્રીના પંચાસર રોડ ઉપર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જાહેર સભા સંબોધી હતી. આ સભામાં ભરતભાઇ ડાયાલાલ ફૂલતરીયા ઉ.વ.40 રહે. નાની કેનાલ રોડવાળાએ પ્રશ્ન પૂછવાનું કહી માઈક મેળવ્યું હતું. બાદમાં તેઓ આકરા પ્રશ્ન પૂછવા લાગતા ત્યાં ઉભેલા એક વ્યક્તિએ માઈક છીનવી લેવાનો પ્રયાસ કરી ભરતભાઇને લાંફો ચોંટાડી દીધો હતો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવતા સમગ્ર રાજ્યમાં વાયરલ થયો છે. આ દરમિયાન રાત્રીના દોઢેક વાગ્યે ભરતભાઇ દ્વારા એ ડિવિઝન પોલીસમાં લાંફો મારનાર સામે કાર્યવાહી કરવા અરજી આપવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસે અશ્વિનભાઈ કરસનભાઈ નાગપરા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ભોગ બનનારે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીની સભામાં સવાલ પૂછતાં આરોપીએ એક ઝાપટ મારી બોલાચાલી કરી હતી. આ સાથે સવાલ પૂછવા બાબતે ધમકી આપી હતી.