૭૯ લાખની રકમ સામે લાખો રૂપિયા વ્યાજ ચૂકવ્યું હોવા છતાં જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની રાવ : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલમોરબી : મોરબીમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઊંચા વ્યાજે રૂપિયા આપીને બાદમાં પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે પાંચ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.મળતી માહિતી મુજબ, શનાળાની ધર્મલાભ સોસાયટીમાં રહેતા અને મજૂરીકામ કરતા ધારેશભાઈ બચુભાઈ કૈડ (ઉ.વ. ૪૦) એ પાંચ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાં દેવશીભાઈ બીજલભાઈ વેરાણા પાસેથી ૫% લેખે રૂ. ૩૦ લાખ લીધા હતા જેનું રૂ. ૧૮ લાખ વ્યાજ ચૂકવ્યું હતું. હર્ષદભાઈ પોલાભાઈ ટમારીયા પાસેથી ૧૦% લેખે રૂ. ૨૦ લાખ લઈ રૂ. ૧૬ લાખ વ્યાજ ચૂકવ્યું હતું. મયુર ઉર્ફે દેવો દીલીપભાઈ કરોતરા પાસેથી ૨.૫% લેખે રૂ. ૧૪ લાખ લઈ રૂ. ૪,૨૨,૦૦૦ વ્યાજ ચૂકવ્યું હતું. રમેશભાઈ મનાભાઈ વાંક પાસેથી ૨% લેખે રૂ. ૧૦ લાખ લઈ રૂ. ૨,૪૦,૦૦૦ વ્યાજ ચૂકવ્યું હતું અને ભરતભાઈ હેમુભાઈ સોલંકી પાસેથી ૩% લેખે રૂ. ૫ લાખ લઈ રૂ. ૯૦,૦૦૦ વ્યાજ ચૂકવ્યું હતું.આમ, લાખો રૂપિયા વ્યાજ પેટે ચૂકવ્યા હોવા છતાં આ પાંચેય આરોપીઓ વ્યાજ તથા મૂડીની રકમની પઠાણી ઉઘરાણી કરતા હતા. વ્યાજ ન ચૂકવતા ફોન પર ગાળાગાળી કરી હર્ષદભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહિ, રમેશભાઈ વાંકે ફરિયાદીની દુકાન અને તેમની પત્નીના મકાનનો અસલ દસ્તાવેજ પણ કબ્જે કરી લીધો હતો. આમ મૃત્યુનો ભય બતાવી વ્યાજની ઉઘરાણી કરવા મામલે ધારેશભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે દેવશીભાઈ બીજલભાઈ વેરાણા (રહે. મકનસર), હર્ષદભાઈ પોલાભાઈ ટમારીયા (રહે. બોડકા, તા. જોડીયા), મયુર ઉર્ફે દેવો દીલીપભાઈ કરોતરા (રહે. રબારી વાસ, મોરબી), રમેશભાઈ મનાભાઈ વાંક (રહે. હાઉસિંગ બોર્ડ, મોરબી) અને ભરતભાઈ હેમુભાઈ સોલંકી (રહે. જી.આઈ.ડી.સી. નાકા પાસે, મોરબી) સામે ગુનો નોંધ્યો છે.આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એ.ગઢવીએ ભારતીય ન્યાય સંહિતાની ૨૦૨૩ ની કલમ ૩૦૮(૫),૩૫૧ (૨),૩૫૨,૫૪ તથા ગુજરાત નાણા ધીરધારની ૨૦૧૧ ની કલમ ૪૦,૪૨ મુજબ ગુનો દાખલ કરી તમામ આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.#Morbi #MorbiUpdate #CrimeNews #Vyajkhor #MorbiPolice #GujaratNews