મોરબી : મોરબી - હળવદ હાઇવે પર જુના ઘુંટુ રોડ નજીક બે દિવસ પૂર્વે કન્ટેનર ટ્રક પલ્ટી ગયા બાદ કાર પર પડતા દંપતિનું મૃત્યુ નિપજવા મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.22ના રોજ બપોરના સમયે પોતાના સાળાની ઉતરક્રિયા પતાવી હળવદથી ટંકારા કારમાં જઈ રહેલા ટંકારાના પરિવારજનોની કાર પર જુના ઘુંટુ રોડ પાસે જીજે - 39 - ટી - 9822 નંબરનો કન્ટેનર ટ્રક પલ્ટી મારી ખાબકતા આ અકસ્માતમાં મનસુખભાઇ કુંઢિયા અને તેમના પત્ની મંજુબેન કુંઢિયાનું મૃત્યુ નીપજ્યું હતું.વધુમાં અકસ્માતના આ બનાવમાં ફરિયાદી નાથાભાઈ મનજીભાઈ કુંઢિયા અને તેમના પત્ની જયાબેનને ઇજા પહોંચી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ટંકારા રહેતા નાથાભાઇ મનજીભાઈ કુંઢિયાની ફરિયાદને આધારે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.