મોરબીમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદના અંતે મંદિરના ટ્રસ્ટીએ લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાવી : તપાસ શરૂ મોરબી : મોરબીના સ્ટેશન રોડ ઉપર જડેશ્વર મહાદેવ મંદિરની મિલ્કત મુદ્દે લાંબા સમયથી મંદિરના ટ્રસ્ટી અને પૂજારીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ આ મુદ્દે મંદિરના ટ્રસ્ટીએ પૂજારીઓ સામે મંદિરની જમીન પચાવી પડવાની લેખિતમાં ફરિયાદ કરી હતી. સામે પક્ષે પૂજારીઓએ પણ આક્ષેપ કર્યા હતા ત્યારે હવે આ પ્રકરણમાં પોલીસે ટ્રસ્ટીની અરજીના આધારે મંદિરના પૂજારીઓ સામે જડેશ્વર મંદિરની મિલ્કત પચાવી પાડવાનો કારસો રચ્યાની લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રેલ્વે સ્ટેશન રોડ આવેલ સુપર ટોકીઝ સામે લક્ષ્મીનિવાસમાં રહેતા અને સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી યશવંત મણીલાલ જોષીએ આ મંદિરના પૂજારી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી, રાજુગીરી ગોવીંદગીરી ગોસ્વામી સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની મિલ્કત પર કોઇ પણ પ્રકારનો હકક હિસ્સો ન હોય તેમ છતા તમામ મિલ્કત ઉપર પોતાના અંગત ઉપયોગ સારૂ દબાણ કરી ગેરકાયદેસર કબ્જો જમાવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મંદિરની મિલકત મુદ્દે ઘણા સમયથી ડખ્ખો ચાલી રહ્યો છે અને મંદિરના ટ્રસ્ટીએ અગાઉ લેખિતમાં અરજી કર્યા બાદ આ વિવાદ વધુ ઘેરો બન્યો હતો. તેમાંય સામે પક્ષે પૂજારીઓએ પણ તેમના ઉપર આક્ષેપો કર્યા હતા. આથી, વિવાદ વધુ વકર્યા બાદ અંતે પોલીસે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ દાખલ કરીને આ બનાવનું સત્ય સામે લાવવાની કવાયત હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ એસ.સી/એસ.ટી સેલના ડીવાય.એસ.પી. ઉપાધ્યાય ચલાવી રહ્યા છે.