મોબાઈલ ટાવરની બેટરી ચોરતી ટેક્નિશયન ગેંગ અમરેલીમાં પકડાઈ ગયા બાદ ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી તાલુકાના જોધપર નદી ગામે મોબાઈલ ટાવરમાંથી દોઢેક માસ પહેલા બેટરીના સેલ ચોરાઈ જવા મામલે કંપનીના સુપરવાઈઝર દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે બેટરી સેલ ચોરીના આ બનાવમાં ટેક્નિશયન તસ્કર ત્રિપુટી અમરેલીમાં ઝડપાઇ ગઈ હોય આ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જોધપર નદી ગામે આવેલ મોબાઈલ ટાવરમાંથી તા.6 માર્ચના રોજ બેટરીના સેલ ચોરી થવા મામલે મોબાઈલ ટાવર સિક્યુરિટી સુપર વાઇઝર દ્વારા અશોકભાઇ પાલજીભાઇ રાઠોડે આરોપી પ્રકાશભાઇ દિપકભાઇ ખીમસુરીયા, રહે. નાની લાખાવાડ, તા.જશદણ, જી.રાજકોટ, કિરણભાઇ કલાભાઇ મકવાણા, રહે. ખડવાવડી, તા.જશદણ, જી.રાજકોટ અને લાલજીભાઇ ઉર્ફે અમીતભાઇ મનસુખભાઇ ચૌહાણ ઉ.વ.૨૬, રહે. ખડખડ, તા.વડીયા, જી.અમરેલી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુમાં ફરિયાદમાં જણાવાયું છે કે મોબાઇલ ટાવરમાંથી ત્રણેય આરોપીઓ દ્વારા બેટરી સેલ નંગ 24 કિંમત રૂપિયા 24 હજાર ચોરી ગયાનું અને આવી જ રીતે અમરેલી જિલ્લામાં આરોપીઓએ ચોરી કરી હોય હાલમાં અમરેલી પોલીસે ત્રણેયને ઝડપી લીધા હોય એ ફરિયાદ નોંધાવી હોવાનું જાહેર કર્યું છે. હાલ મોરબી તાલુકા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.