અગાઉ મીડિયા કાર્ડ રીન્યુના નામે પૈસા માંગયા બાદ વીડિયો ડીલીટ કરવા ધમકી આપી 50 હજાર માંગ્યા હોવાનો આરોપમોરબી : મોરબીમાં ન્યુઝ પેપર ચલાવતા ત્રણ ભાઈઓ સામે ટોલટેક્સ ન ભરવો પડે તેવા મીડિયા કાર્ડ પોતાની પાસે હોવાનું કહી 4000મા ત્રાજપર ચોકડી નજીક એક પેટ્રોલપંપ સંચાલકને આપેલા મીડિયા કાર્ડ રીન્યુ કરવા ત્રણ હજાર માંગતા પેટ્રોલપંપ સંચાલકે ના પાડતા બ્લેક મેઈલ કરી પંપનો ખોટો વિડિયો ઉતારી 50 હજાર માગવાની ત્રણ સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.રાધેશ બુદ્ધભટ્ટી, જયદેવ બુદ્ધભટ્ટી અને મયુર બુદ્ધભટ્ટી નામના ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદી પેટ્રોલપંપ સંચાલક કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી રાધેશ બુદ્ધભટ્ટીએ અગાઉ દિવ્યદ્રષ્ટિ મીડિયા ગ્રુપનું કાર્ડ 4 હજારમાં આપ્યા બાદ કાર્ડ રીન્યુ કરાવવા માટે 3 હજાર માંગતા ફરિયાદીએ ના પાડતા આરોપીએ તમે પંપ ઉપર ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા નથી તેવો કથિત આરોપ લગાવી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં ચડાવ્યો હતો.બાદમાં આ મામલે સોશિયલ મીડિયામાં ચડાવેલ વીડિયો ડીલીટ કરવો હોય તો 50 હજાર આપવા પડે તેમ કહી બ્લેક મેઇલિંગ કરતા ફરિયાદી કૃષિત સુવાગિયાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.મોરબી સહિતના જિલ્લામાં પ્રેસ કાર્ડનાં ગેરકાયદે વેચાણની અગાઉ પણ અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે આ મામલે પોલીસે તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવી જરૂરી છે.