ટંકારાના જબલપુર ગામના આત્મહત્યાના બનાવ અંગે પરિણીતાના માતાએ ફરિયાદ નોંધાવી ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેનાર પરિણીતાની માતાએ જમાઈ, વેવાઈ અને વેવાણ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે ગત તા.28ના રોજ સુમિતાબેન જયદીપભાઈ ભલોડિયા નામના પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ મામલે મૃતક સુમિતાબેનના હડમતીયા ગામે રહેતા માતા કમળાબેન ભીખાભાઇ સીણોજીયાએ તેમની પુત્રીને મરવા મજબુર કરનાર સાસુ દુર્ગાબેન ભુદરભાઇ ભાલોડીયા સસરા ભુદરભાઇ રૂગનાથભાઇ ભાલોડીયા અને જયદીપભાઇ ભુદરભાઇ રહે. બધા જબલપુર વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુમાં સુમિતાબેનના માતા કમળાબેન ભીખાભાઇ સીણોજીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મૃતક સુમિતાબેનના એકાદ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને તેમને આંખના નંબર હોય પતિ દવાખાને સારવાર ન કરાવતા હોવાની સાથે સાસુ સસરા પાણી વાપરવામાં લાઈટ બિલ વધુ આવતું હોવાનું કહી ત્રાસ આપી મરવા મજબુર કરી હોવાની ફરિયાદ કરતા ટંકારા પોલીસે જમાઈ અને વેવાઈ વેવાણ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૬,૪૯૮(ક),૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.