હરિપર કેરાળા ગામના ખેડૂત વ્યાજંકવાદીના વિષચક્રમાં ફસાતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી જિલ્લા પોલીસવડાએ વ્યાજંકવાદીઓને ઝેર કરવા લોકદરબાર યોજ્યા બાદ પણ વ્યાજખોરોને કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેમ હરિપર કેરાળા ગામના ખેડૂતને વ્યાજના વમળમાં ફસાવી વ્યાજ સહિત લાખો રૂપિયા પડાવવાની સાથે સાત વ્યાજંકવાદીઓ દ્વારા ખેતીની જમીનનો દસ્તાવેજ લખાવી લેતા પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરો સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હરિપર કેરાળા ગામના ખેડૂત અરવિંદભાઇ પ્રેમજીભાઇ ચારોલાએ શનાળા ગામના મહેન્દ્રસિંહ દેવુભા ઝાલા અને રાજેશભાઇ આણંદભાઇ જીલરીયા પાસેથી મહિને 6 ટકા વ્યાજે 12 લાખ રૂપિયા લીધા હતા જે 8 મહિનાના વ્યાજ સાથે રૂ.20 લાખ પરત ચૂકવી દીધા હતા એ જ રીતે આરોપી નરસંગભાઇ જેસંગભાઇ રાઠોડ, હર્ષદભાઇ પરબતભાઇ ચાવડા, સાગર ઉર્ફે મુળુ આયદાન ડાંગર ભાવેશભાઇ બાવાજી રહે.મોરબી અને સુમીત મળજીભાઇ ચારોલા રહે. કેરાળા પાસેથી પણ અલગ અલગ સમયે જરૂરિયાત મુજબ ઉંચા વ્યાજે નાણાં લીધા બાદ આરોપી હર્ષદ પરબત ચાવડાએ અરવિંદભાઈની ખેતીની જમીન નામે કરાવી લીધી હતી અને સતત વ્યાજની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. દરમિયાન વ્યાજખોરો દિવસે દિવસે ફરિયાદી અરવિંદભાઈ ચારોલાને શારીરિક માનસિક ત્રાસ આપતા હોય અંતે પઠાણી ઉઘરાણીથી કંટાળી ગઈકાલે સાતેય વ્યાજંકવાદીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબત અધિમીયમ ર૦૧૧ ની કલમ પ, ૩૩(૩), ૪૦, ૪ર મુજબ ગુન્હો નોંધી વ્યાજંકવાદીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..