વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની તત્કાલ કાર્યવાહી : ચારની ધરપકડ મોરબી : મોરબીના વેપારીએ વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણાં લીધા બાદ ઊંચું વ્યાજ ચૂકવી દેવા છતાં પાંચ વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી વેપારીને ત્રાસ આપી કોરા ચેક મેળવી લઈ વેપારી અને પરિવારજનોને જાનથી મારી નાખવા ધમકી આપતા પાંચ વ્યાજખોરો વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ ગંભીર કેસમાં પોલીસે તત્કાલ કાર્યવાહી કરી ચાર વ્યાજખોરોની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના કંડલા હાઇવે ઉપર આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં અમી પેલેસ પાછળ આવેલ કૈલાશ ટાવર બ્લોકનં.૧૦૧માં રહેતા વેપારી મયુરભાઇ કાનજીભાઇ ભીમાણીએ આરોપી નિર્મળભાઈ પીઠમલ બોરીચા, રહે.ઉમા સોસાયટી દલવાડી સર્કલ મોરબી, પ્રકાશભાઈ પીઠમલ બોરીચા રહે. ઉમા સોસાયટી દલવાડી સર્કલ પાસે, કાનજીભાઈ ઉર્ફે કાનો વીરડા બોરીચા, રહે. વવાણીયા, અતુલભાઈ બાળા બોરીચા રહે. ઉમીયા સર્કલ પાસે યદુનંદન સોસાયટી મોરબી અને જતીનભાઈ આહીર રહે. નાગડાવાસવાળા પાસેથી એક વર્ષ પૂર્વે વ્યાજે નાણાં લીધા હતા જેનું ઊંચું વ્યાજ પણ ચૂકવી દીધું હતું. જો કે, વ્યાજખોરોને ઊંચું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં પણ આરોપીઓ દ્વારા વધુ પૈસા પડાવવાના હેતુથી પઠાણી ઉઘરાણી કરી સતામણી કરી અપશબ્દો બોલી વેપારીના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બળ જબરીથી નાણા કઢાવી લઇ તેમજ છરી બતાવીને હાથ ઉછીના નાણા આપેલના ખોટા સોગંદનામા કરાવી લઇ, આઇ.ડી.બી.આઇ બેંકના કોરા ચેકો બળ જબરીથી પડાવી લેતા વેપારીએ આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વ્યાજખોરીના આ ગંભીર મામલે પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૮૪,૩૮૬,૫૦૪,૫૦૬(૨),૫૦૭,૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપી નિર્મળભાઈ પીઠમલ બોરીચા, પ્રકાશભાઈ પીઠમલ બોરીચા, કાનજીભાઈ ઉર્ફે કાનો વીરડા બોરીચા અને અતુલભાઈ બાળા બોરીચાને તાત્કાલિક અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.