મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગરમાં લાયન્સ સ્કૂલ પાસે અને રહેણાક વિસ્તારમાં ઘર પાસે ગટરનું ગંદુ પાણી તેમજ આસપાસના બધા જ વિસ્તારના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો હોય હાલ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ઉભું થતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવા લાયન્સનગરના રહેવાસીઓએ મોરબી નગરપાલિકાને લેખિત રજૂઆત કરી છે.લત્તાવાસીઓના જણાવ્યા પ્રમાણે લાયન્સ સ્કૂલ, રહેણાક મકાન અને પ્રાઈવેટ પ્લોટમાં ગટરનું ગંદુ પાણી અને આસપાસના બે થી ત્રણ વિસ્તારના ગંદા પાણીનો નિકાલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેસીબીથી રોડ ખોદી કેનાલ જેવી લાઈન કરીને બધા વિસ્તારનું ગંદુ પાણી આ તરફ લાવવામાં આવી રહ્યું છે. જેના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓ અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં ગાયોને પણ ગંદા પાણીમાં બેસી રહેવું પડે છે. રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે 20 વર્ષમાં આ પહેલી વખત ગંદુ પાણી આ વિસ્તારમાં વાળવામાં આવ્યું છે. આ ગંદા પાણીનો નિકાલ ત્રિલોકધામ પાસે ગરનાળુ છે ત્યાંથી થતો હતો. આ ગંદા પાણીના કારણે લાયન્સનગર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ તેવો પણ સવાલ રહેવાસીઓ કરી રહ્યા છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરીને ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માગ નગરપાલિકા સમક્ષ કરવામાં આવી છે.