બાળકને પતંગ ચગાવવાની ના કહ્યા બાદ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બન્ને પરિવારો સામસામા આવી ગયા મોરબી : મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં પતંગ ઉડાડવા મામલે બે પરિવારો વચ્ચે ધોકા ઉડયા હતા. બાળકને પતંગ ઉડાડવાની ના કહ્યા બાદ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બન્ને પરિવારો મારામારી પર ઉતરી ગયા હતા. આ મામલે સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના લાતી પ્લોટ શેરી નં. ૧૩માં રહેતા આબેદાબેન સોકતભાઈ ચાનીયાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પુત્ર હશનેન સોકતભાઈ ચાનિયા પતંગ ઉડાડતો હોય, પતંગ ન ઉડાડવાનું કહીને બોલાચાલી કરીને ગુલામભાઈ જુસબભાઈ મોવર અને જેનાબેન ગુલામભાઈએ તેને ધોકાથી માર માર્યો હતો. સાથે રમજાનભાઈ ગુલામભાઈ મોવર અને મોહીન ગુલામભાઈએ તેમની મદદગારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામાપક્ષે રમજાનભાઈ ગુલામભાઈ મોવર ઉ.વ. ૧૮એ ફરિયાદ નોંધાવી હતી કે હશનેન પતંગ ઉડાવતો હોય, જેથી તેઓના કબૂતર ઉડી જતા હતા. હશનેનને બીજે પતંગ ઉડાડવા જવાનું કહેતા નઇમભાઈ સોક્તભાઈ અનવ આબેદાબેન સોકતભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપીને ઢીકા પાટુનો માર મારી છરી કાઢીને ઇજાઓ પહોંચાડી હતી. એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષોની ફરિયાદના આધારે બન્ને પરિવારોના ૬ સભ્યો સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en