મોરબી : મોરબીમાં વરસાદ બાદ માર્ગોની હાલત બદતર થઈ ગઈ છે. ઘણા રોડ ઉપર ગાબડા પડ્યા છે. ત્યારે મોરબીના વીસી ફાટક પાસે ગાબડા પડ્યા હોય લોકોને ભારે હાલાકી પડતી હોવાનું અને ગાબડાના કારણે ટ્રાફિકજામની સ્થિતિ ધ્યાને આવતા ફરજ પરના ટ્રાફિકના જવાનોએ જાતે આ રોડ ઉપર ગાબડાનું રીપેરીંગ કરવાની સરાહનીય કામગીરી કરી હતી. મોરબીના વીસી ફાટક પાસે વરસાદને કારણે રોડનું ધોવાણ થઈ ગયું હતું. રોડ ઉપર ઠેરઠેર ગાબડા પડી ગયા હતા. તેથી હજારો લોકોની અવરજવર ધરાવતા આ રોડ ઉપર ગાબડાને કારણે અકસ્માતની દહેશતની સાથે ટ્રાફિકજામની પણ સમસ્યા ઉદભવી હતી. લોકોને પડતી મુશ્કેલી જોઈને ત્યાં ટ્રાફિકની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ મેન તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો જાતે જ રોડનું રીપેરીંગ કરવા કામે લાગી હતા અને શ્રમદાન કરીને આ ટ્રાફિકના જવાનોએ રોડને ચાલવા યોગ્ય બનાવ્યો છે.