મોરબીમાં અદાણીની 765 KV વીજલાઇન માટે ખેડૂતોને નોટિસ અપાતા વિરોધ વંટોળ: 10 દિવસમાં નિર્ણય નહીં લેવાય તો 10000 ખેડૂતો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે તેવી ચીમકી સાથે મહેશ રાજકોટિયાની મુખ્યમંત્રીને રજુઆતમોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ પૂર્ણ થતાંની 48 કલાકમાં જ અદાણી કંપનીની 765 KV વીજલાઇન માટે કલેક્ટર દ્વારા ખેડૂતોને રાતોરાત નોટિસો ફટકારવામાં આવતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના ખેડૂત નેતા મહેશ રાજકોટીયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને 10 દિવસમાં નોટિસો રદ કરવાની માંગ કરી છે અને સરકારને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.ખેડૂતોની 100 ટકા લેખિત સંમતિ વિના કામગીરીનો વિરોધમહેશ રાજકોટીયાએ મુખ્યમંત્રીને લખેલા ખુલ્લા પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 ની કલમ 16 (1) અન્વયે આપેલી નોટિસો ચૂંટણી બાદની દગાખોરી છે. તેમણે જણાવ્યું કે 7 પેઢીથી ખેડૂતનું લોહી આ માટીમાં ભળ્યું છે, ત્યારે ખેડૂતોની 100 ટકા લેખિત સંમતિ વિના એક ઇંચ જમીન પર પણ કામગીરી શરૂ કરવામાં આવશે તો ખેડૂતો ટ્રેક્ટર સાથે સામનો કરશે. વધુમાં, ખેડૂતો માટે બજારભાવના 4 ગણા વળતર, 18 ટકા વ્યાજ અને કાયમી નોકરીની તાત્કાલિક માંગણી મૂકવામાં આવી છે.અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગકિસાન સંઘર્ષ સમિતિએ રાત્રિના 2 વાગ્યે ખેડૂતોના ઘરે જઈને નોટિસ આપનાર કલેક્ટર અને મામલતદારને સસ્પેન્ડ કરી જેલમાં મોકલવાની માંગ ઉઠાવી છે. આ ઉપરાંત, ગ્રામસભાની મંજૂરી વિના ખેતરોમાં સર્વે કરનાર કંપનીના અધિકારીઓ સામે IPC ની કલમ 447, 503 અને 506 હેઠળ FIR દાખલ કરવા પણ જણાવાયું છે.માંગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર સુધી 50000 ખેડૂતોની મહાકૂચસરકારને આખરી અલ્ટીમેટમ આપતા મહેશ રાજકોટીયાએ જણાવ્યું છે કે જો 10 દિવસમાં નોટિસો રદ કરવાનો લેખિત હુકમ નહીં થાય તો ટૂંક સમયમાં જ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી પર 10000 ખેડૂતો આમરણ ઉપવાસ કરી ઘેરાવ કરશે. આટલેથી ન અટકતા, આગામી સમયમાં 50000 ખેડૂતો સાથે ગાંધીનગર વિધાનસભા પર 'ખેડૂત મહાકૂચ' યોજવામાં આવશે અને વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે.આ ચેતવણી પત્રની નકલ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ મોકલવામાં આવી છે. આ પત્રની નકલ મોરબી સહિત અસરગ્રસ્ત તમામ જિલ્લાના ગામોમાં વંચાશે તેવો પણ ઉલ્લેખ કરાયો છે. #MorbiUpdate #MorbiNews #GujaratKisanSangharshSamiti #MaheshRajkotiya #FarmersProtest #GujaratFarmers #MorbiCollector #Gandhinagar #GujaratGovernment #AdaniPowerLine