એક વકીલ આ માટેના ફોર્મ ભરી આપવાના હોવાનો મેસેજ વાયરલ, મોટી સંખ્યામાં લોકો વકીલની ઓફિસે અને અજંતાની ફેક્ટરીએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતામોરબી : મોરબીમાં અજંતા કંપની તેના જુના કર્મચારીઓને ગ્રેજ્યુટીના પૈસા આપશે એના માટે એક ફોર્મ ભરવાનું રહેશે તેવી વાત પ્રસરતા તેના ફોર્મ ભરવા માટે જુના કર્મચારીઓ ઉમટી પડ્યા હતા. જો કે આ વાત અફવા હોવાનું અજંતાના મેનેજરે જાહેર કર્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર અજંતા કંપની તેના જુના કર્મચારીઓને જેટલા વર્ષ કામ કર્યું હોય તેટલા વર્ષના એક વર્ષ લેખે રૂ.10 હજારની ગ્રેચ્યુટીની આપવાની છે. જેના ફોર્મ ત્રિકોણ બાગ ખાતે ઓફિસ ધરાવતા એક વકીલ ભરી આપવાના છે. તેવો મેસેજ વાયરલ થયો હતો. પરિણામે આજે ત્રિકોણ બાગ પાસે વકીલની ઓફિસ બહાર મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા. જો કે આ વકીલની ઓફિસ બંધ હતી. ઉપરાંત બહાર બોર્ડ પણ માર્યું હતું કે ઓફિસ બે મહિના માટે બંધ છે. કોઈએ ફોર્મ ભરવા માટે પૂછતાછ કરવી નહીં. બીજી તરફ અજંતાની ફેક્ટરીએ પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા મેનેજરે પોલીસ બોલાવી હતી. અજંતાના મેનેજર ચંદ્રેશ દેસાઈએ જણાવ્યું કે આ એક અફવા છે અમે કંપનીના ગેટ ઉપર પણ આ અંગે જાણ કરતું પત્રક લગાવી દીધું છે. આ અફવા સામે મેનેજમેન્ટ સાથે વાતચીત કર્યા બાદ આગળના પગલાં અંગે નિર્ણય લેશું. ઉલ્લેખનીય છે કે પોતાના કામ પડતા મૂકી મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરવા આવેલા તેમને ધરમનો ધક્કો થયો હતો.