મોરબી : મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે ધારાસભ્ય બંગલો, ઉમા ટાઉનશિપ ખાતે વિનામુલ્યે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 21જૂનના દિવસે ભારતભરમાં ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી કરવામાં આવે છે. સમાન રીતે યોજાતા યોગ કાર્યક્રમમાં અનુસરતા ક્રમ મુજબ મોરબી ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગ સાધકો, યોગ ટ્રેનર્સ અને યોગ કોચ બધા સાથે જોડાયા હતા. આ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અપાતી યોગ ટ્રેનર તાલીમ અંગે માહિતી અને યોગ બોર્ડનો પરિચય ઉપસ્થિત લોકો સામે રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન વાલજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન માટે ડેમોસ્ટ્રેશન અંજનાબેન અને ચાંદનીબેન દ્વારા આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે હાજર રહેલા દરેક યોગ પ્રેમી જનતાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.