જીવરાજ પાર્ક, ચક્કર રોડ અને રેલવે ટ્રેક સહિતના વિસ્તારોની મુલાકાત લઈ ગાર્બેજ પોઈન્ટ્સ તાત્કાલિક સાફ કરવા તાકીદ કરાઈમોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ક્લસ્ટર-5 વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સફાઈ કામદારોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી શહેરમાં સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે તે હેતુથી કમિશનર સ્વપ્નિલ ખરે (IAS) દ્વારા સમયાંતરે વિવિધ ઝોન અને ક્લસ્ટરની મુલાકાત લેવામાં આવે છે. આજે કમિશનરે ક્લસ્ટર-5માં આવતા જીવરાજ પાર્ક, ચક્કર રોડ અને સાઈનાથ એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ તમામ વિસ્તારોમાં નિયમિત કચરો એકઠો કરવા અને તેનો યોગ્ય નિકાલ કરવા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓને તાકીદ કરી હતી.વધુમાં, કમિશનરે રામેશ્વર મંદિર પાસે, યુ.એન. મહેતા કોલેજ (નજરબાગ) પાસે અને રેલવે ટ્રેક નજીક આવેલા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ (GVP) ની પણ મુલાકાત લીધી હતી. આ સ્થળોએ ગંદકી જોઈને તેમણે તાત્કાલિક ધોરણે કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવા માટે સફાઈ કામદારો અને સુપરવાઈઝરોને કડક સૂચના આપી હતી. શહેરની સફાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ અને સુવ્યવસ્થિત બને તે માટે કમિશનરે સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન કમિશનર સ્વપ્નિલ ખરે સાથે નાયબ કમિશનર (પ્રોજેક્ટ) સંજયકુમાર સોની અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધ્યક્ષ અનુરાગભાઈ સંતોકી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.