ઈએમટી અને પાયલોટે રાજકોટ ખાતે દર્દીના પરિવારજનોને રૂ.27,200 અને મોબાઈલ જમા કરાવી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુંટંકારા: ટંકારા તાલુકાના રસનાળ ગામ પાસે ઉમંગભાઈ ભગવાનભાઈ નામના યુવાનનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સના ઈએમટી રુબિયા અને પાયલોટ મનીષભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તને પ્રથમ ટંકારા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડ્યા હતા.ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ, દર્દીને વધુ ગંભીર ઈજાઓ હોવાના કારણે ઉમંગભાઈને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. આ આપાતકાલીન પરિસ્થિતિ અને ભાગદોડ દરમિયાન 108 ના સ્ટાફને દર્દી પાસેથી 27200 રૂપિયાની રોકડ રકમ અને 1 મોબાઈલ ફોન મળી આવ્યો હતો.ઈએમટી રુબિયા અને પાયલોટ મનીષભાઈએ પોતાની ફરજ નિષ્ઠાની સાથે માનવતા મહેકાવી હતી. તેઓએ રાજકોટ પહોંચીને દર્દીના ભાઈ દીપકભાઈને 27200 રૂપિયા રોકડા અને 1 મોબાઈલ સહીસલામત પરત જમા કરાવ્યો હતો. 108 ની ટીમની આ પ્રમાણિકતા અને સત્વરે કરેલી કામગીરીની હાલ ચોમેર ભારે પ્રશંસા થઈ રહી છે.