મોરબી : મોરબીના બરવાળા ગામમાં આવેલી ગ્રાન્ટેડ શાળા સરસ્વતી ભગવતી વિદ્યાલય દ્વારા એક સ્તુત્ય પગલું ભરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળામાં પેકેઝ્ડ ફૂડ (પકીડા) ખાવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. શાળાના શિક્ષક અશ્વિનભાઈ દેત્રોજા દ્વારા વિદ્યાર્થીઓ માટે સોમવારથી શનિવાર માટે અલગ અલગ નાસ્તાનું મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. તે નાસ્તામાંથી જ વિદ્યાર્થીઓ નાસ્તો શાળામાં લાવી શકશે.જેમાં સોમવારે બટેટા પૌવા, વઘારેલા ભાત, ઢોકળા, થેપલા-ભાજી, થેપલા, ભાખરી, રોટલી-શાક, ખાખરા, ઈડલી, આલુ પરોઠા. મંગળવારે શિંગ-દાળીયા, શિંગ રેવડી, મસાલાવાળા શિંગ દાણા, શિંગ ભજીયા, વટાણા, અન્ય કોઈપણ ડ્રાયફ્રુટ, બુધવારે સુખડી, ચુરમુ, લાપસી, લાડું, મગફળી પાક, શીરો, ટોપરા પાક, ઘરે બનાવેલી અન્ય કોઈપણ મિઠાઈ, ગુરુવારે સિઝનલ કોઈપણ ફળ, કાચુ (ટામેટા, કાકડી, ગાજર, બીટ વગેરે), ટોપરુ-સાકર, અન્ય કોઈપણ નેચરલ આઈટમ, શુક્રવારે સેવ મમરા, ચેવડો, ચવાણું, ભેળ, શક્કરપારા, ભાખરવડી, ચક્રી, ઘરે બનાવેલ કોઈપણ ફરસાણ, શનિવારે ફણગાવેલા કઠોળ, બાફેલા કઠોળ, વઘારેલા કઠોળ, પલાળેલા શિંગદાણા, નેચરલ ભેળ, શિંગ દાણા, મકાઈ, ચણા, મઠ, તલ, લીંબુ વગેરે લાવી શકાશે.શાળા દ્વારા જણાવાયું છે કે, હાલના સમયમાં નાની ઉંમરમાં બાળકોમાં વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. જેનું કારણ પેકેઝ્ડ ફૂડ અને જંક ફૂડ છે. તેથી બાળકોને આવી બીમારીઓથી બચાવવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ શાળાઓ અને વાલીઓ આમાંથી પ્રેરણા લે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ છે.