નગર દરવાજા ચોક બન્ને તરફ વાહન પાર્કિંગની પટ્ટી દોરાઈ, જેથી વાહનો સુવ્યવસ્થિત રીતે પાર્ક થઈ શકેમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશો તો ચલાવવામાં આવે છે પણ થોડા દિવસો પછી પરિસ્થિતિ જૈસે થે.. તેવી બનવાની લોકો અનુમાન લગાવી રહ્યા હતા. પણ નગરદરવાજા ચોકને ઝુંબેશના 15 દિવસ બાદ પણ દબાણમુક્ત રાખી મહાપાલિકાએ નવી મિશાલ કાયમ કરી છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અને સ્વચ્છતા અભિયાન સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. હા, ઘણી જગ્યાએ ગંદકી અને દબાણો મોટા પ્રમાણમાં છે તે વાસ્તવિકતા છે. પણ સામે મહાપાલિકા દ્વારા અત્યાર સુધી જે ચીલો ચાલ્યો આવતો હતો તેમાં બદલાવ લાવવાની શરૂઆત કરી તે પણ હકીકત છે. મોરબી મહાપાલિકાએ અંદાજે પખવાડિયા પૂર્વે નગરદરવાજા ચોક ખાતે સ્વચ્છતા ઝુંબેશ સાથે દબાણ હટાવ કામગીરી કરી હતી. આ દરમિયાન લોકો માની રહ્યા હતા કે થોડા દિવસ આવું રહેશે. પણ પખવાડિયુ વીતી ગયુ છે. મહાપાલિકા આ ચોકને દબાણમુક્ત જાળવી રાખવામાં સફળ ગયું છે. વધુમાં અહીં વાહન પાર્ક વ્યવસ્થિત રીતે થાય તેના માટે મહાપાલિકા દ્વારા અહીં બન્ને તરફ સફેદ બાઉન્ડ્રી દોરી છે. જેમાં બે લાઈનમાં વાહનો પાર્ક થઈ શકે છે. આ રીતે પાર્ક થયેલા વાહન શહેર હવે શિસ્ત તરફ આગળ વધી રહ્યું હોય તેવું દર્શાવે છે.