બે વર્ષ બાદ લોકમેળો યોજાતા લોકો ઉમટી પડ્યા આવતીકાલે અમાસે હજારો લોકો મેળામાં ઉમટી પડી પિતૃ તર્પણ કરશે મોરબી : મોરબી નજીક આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરે અમાસના બે દિવસીય પૌરાણિક મેળાનો આજે પ્રારંભ થયો છે. કોરોના કાળના બે વર્ષ બાદ મેળો યોજાતા આ લોકમેળો માણવા માટે આજથી લોકો ઉમટી પડ્યા હતા. જો કે સાચો મેળો આવતીકાલે આમસનો હોવાથી આ મેળામાં મોરબી સહિત સૌરાષ્ટ્ર ભરના હજારો લોકો ઉમટી પડીને રફાળેશ્વર મંદિરે આવેલ પ્રાચીન પીપળે પિતૃ તર્પણ કરીને મેળાની મોજ માણશે. મોરબી નજીક રફાળેશ્વર ગામે આવેલ પ્રાચીન રફાળેશ્વર મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા પ્રતિ વર્ષ પરંપરા મુજબ અમાસના બે દિવસીય પોરોણીક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૌરાણિક મેળાનો આજે સાંજે શુભારંભ કરવામાં આવ્યો હતો. જો કે કોરોના કાળના બે વર્ષ બાદ આ મેળો યોજાઈ રહ્યો હોવાથી લોકમેળો માણવા માટે લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. આ મેળામાં ફજેત ફળકા સહિત મનોરંજનના તમામ સાધનો અને એમ્બ્યુલનસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ મેળાનો પ્રારંભ થતા લોકો ઉમટી પડતા ફજેત ફાળકા અને અવનવી રાઇડ્સ સહિતના તમામ મનોરંજનના સાધનો ધમધમવા લાગ્યા હતા. આજે મેળાના પ્રારંભ બાદ આખી રાત ભજનની રાવટીઓ ધમધમી ઉઠશે અને રાતભર લોકો પરિવાર કે મિત્રો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડશે. જો કે આ મેળાની અમાસના દિવસે ખરી રંગત જામશે. આથી આવતીકાલે અમાસના દિવસે મેળામાં હાજરો લોકો ઉમટી પડશે. રફાળેશ્વર મહાદેવને વિશેષ શણગાર કરી ધ્વજા ચડાવવામાં આવશે. મેળામાં સ્ટેજ ઉપર સૌરાષ્ટ્ર ભાતીગળ સંસ્કૃતિને ઝાખી કરાવતા કાર્યક્રમો યોજાશે. મેળાની સાથે સૌથી વધુ વર્ષોથી રફાળેશ્વર કુંડમાં અમાસના દિવસે પિતૃ તર્પણનું અનેરું મહાત્મ્ય હોવાથી હજારો લોકો ઉમટી પડીને પિતૃ તર્પણ કરશે.