એવન્યુ પાર્કમાં નાળાની સફાઈ કામગીરી હાથ ધરાઈ મોરબીઃ ચોમાસુ નજીક છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી આરંભી દેવાઈ છે. પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત મોરબી નગરપાલિકા દ્વારા નાળાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે એવન્યુ પાર્ક સામે આવેલા નાળાની સફાઈ કરીને આ કામગીરીની શરૂઆત કરાઈ છે. ચોમાસામા દર વર્ષે નિચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ જતો હોય છે જેનું મુખ્ય કારણ શહેરમાં આવેલા નાળામાંથી પાણીનો યોગ્ય નિકાલ નથી થતો હતો. જેથી લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે મોરબી નગરપાલિકા વિસ્તારમાં કુલ 14 નાળા આવેલા છે. જેમાંથી પ્લાસ્ટિક સહિતનો કચરો કાઢીને નાળાની સફાઈ કરવાનું કામ પાલિકા દ્વારા આજથી હાથ ધરાયું છે. પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત નાળાની સફાઈ કરીને ચોમાસામાં પાણી ન ભરાય અને પાણીનો યોગ્ય નિકાલ થઈ જાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, પ્રજાના મનમાં એવો પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, શું દર વર્ષની જેમ પ્રિ-મોન્સૂન કામગીરીના નામે ખાલી દેખાડા પૂરતી કામગીરી તો કરવામાં નથી આવી રહી ને ? કેમ કે દર વર્ષે પ્રિ-મોન્સૂનની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે તેમ છતાં ચોમાસામાં વરસાદી પાણી સોસાયટીઓમાં ભરાઈ જતાં હોય છે. ત્યારે આ વર્ષે પાલિકા દ્વારા યોગ્ય રીતે સફાઈ કામગીરી થાય છે કે કેમ તે જોવું રહ્યું.