યુવાવર્ગમાં વેકસીન લેવા માટે ભારે ઉત્સાહ હોવાથી વેકસીનેશન કેન્દ્ર પર લાઈનો લાગી મોરબી : મોરબી જિલ્લામાં આજે 18 થી વધુ વયજુથના લોકો માટે 70 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે યુવાવર્ગમાં વેકસીન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આથી વેકસીનેશન કેન્દ્રો ઉપર લોકોની લાઈનો લાગી હતી.કોરોના સામે રક્ષણ મેળવવા યુવાનો વધુ જાગૃત હોવાથી આજે પ્રથમ દિવસે વેકસીન લેવા માટે ભારે ધસારો કર્યો હતો. મોરબીમાં આજે 18 પલ્સ માટે વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અગાઉથી રજિસ્ટ્રેશન કર્યા વગર સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશન કરાવીને યુવાનનો કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. મોરબીના ત્રણ સ્થળો ઉપર વેકસીન લેવા માટે યુવાવર્ગમાં ભારે ઉત્સાહ દેખાયો હતો અને વેકસીન લેવા યુવાવર્ગે લાઈનો લગાવી હતી અને વેકસીનેશન કરાવ્યું હતું. અમુક સ્થળોએ રજિસ્ટ્રેશનમાં વલંબ થતો હોવાની ફરિયાદ ઉઠી હતી. આ સંદર્ભે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાએ જણાવ્યું હતું કે, આવી કોઈ ફરિયાદ અમારા ધ્યાને આવી નથી. પણ યુવાનોમાં ઉત્સાહ વધુ હોય અને લાઈનો ઘણી હોવાથી વારો આવતા વાર લાગે છે. બાકી રજિસ્ટ્રેશન પ્રક્રિયા વ્યવસ્થિત રીતે ચાલે છે. અમુક કેન્દ્રો ઉપર લાઈનો વધારે હોવાથી કદાચ સર્વર ડાઉન થવાથી આવું બની શકે છે. પણ હજુ સુધી આવી કોઈ ફરિયાદ આવી નથી. આમ છતાં પણ આ બાબતની યોગ્ય તપાસ કરીને રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં અડચણ ન આવે તેવી કામગીરી કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.