મોરબી : ટંકારાના હડમતીયા ગામ નજીક પાલનપીરની જગ્યા સામે આવેલા રાજલ ફાર્મમાં 108 દિવસના પંચદેવ યજ્ઞનો ભવ્ય પ્રારંભ થયો છે. આ ભગીરથ કાર્ય વીરપર ગામનાં રાજલ ગ્રુપના કેશવજીભાઈ પ્રભુભાઈ વાધડીયા અને તેમના ધર્મપત્ની મંજુલાબેન તરફથી કરવામાં આવ્યું છે. તેઓએ હરિદ્વાર પાસે આવેલા ભગીરથી આશ્રમના દર્શને ગયા બાદ ત્યાં સંકલ્પ કર્યો કે પંચદેવ મહાયજ્ઞનું આયોજન કરવું છે. અને આ પંચદેવ એટલે ગણેશજી, રાજબાઈ માતાજી, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, અને સૂર્ય નારાયણ. હાલના સમયે ચાલતા યજ્ઞ દરમિયાન એક સંકલ્પ લેવાયો કે હનુમાનજી મહારાજનું પણ અનુષ્ઠાન કરવું અને તે મુજબ આ યજ્ઞ પૂરો થશે ત્યારે છ દેવોનું યજ્ઞ સહિતનું પૂજન અર્ચન થયેલું હશે. અહીં દરરોજ રાત્રે ધૂન ભજન અને સંતવાણીનું આયોજન હોય છે. વીરપર ગામના પરિવારજનો એ સેવા યજ્ઞમાં દરેક પ્રકારની વ્યવસ્થાની જવાબદારી ઉપાડી લીધી છે. આ ભાગિરથ કાર્ય સાથે અબોલ પશુઓ પંખિ માટે દરરોજ નીરણ રોટલા ખવડાવવાનું સેવા કાર્ય સતત ચાલુ છે.