મોરબીના રોહિદાસપરામાં ખરાબ રોડના પ્રશ્ને જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં ઉગ્ર રજૂઆતમોરબી : મોરબી શહેરના રોહિદાસપરા વિસ્તારમાં ખરાબ રોડ અને ભુગર્ભ ગટરના પાણીના પ્રશ્ને આજે રહેવાસીઓએ વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, કોંગ્રેસ કિસાન સેલ ગુજરાત પ્રમુખ પાલભાઈ આંબલિયા સહિતના નેતાઓને સાથે રાખીને રોહિદાસપરાથી ચાલીને નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આશરે અડધો કલાક સુધી નાગરિકો અને નેતાઓ પાલિકા કચેરીમાં બેસી રહ્યા હતા અને તાત્કાલિક ધોરણે આ સમસ્યા હલ કરવામાં આવે તેવી માગ કરી હતી.નગરપાલિકા કચેરીએ પહોંચીને સ્થાનિક લોકો અને નેતાઓએ નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા અને કચેરીમાં બેસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સમસ્યા હલ કરવાની માગ કરી હતી. આ અંગે જીગ્નેશભાઈ મેવાણીએ જણાવ્યું હતું કે, નગરપાલિકા કચેરીમાં જ ખાડા પડી ગયા છે તો શહેરમાં શું સુધારો કરશે ? નગરપાલિકા પોતે જ ખાડે ગઈ છે. ખાડે ગયેલું તંત્ર કેવું હોય એ જોવું હોય તો મોરબી આવો. જીગ્નેશભાઈ મેવાણીએ વધુમાં કહ્યું હતું કે, હું આખા દેશમાં ફરું છું પરંતું આનાથી ખરાબ વહીવટ એકપણ નગરપાલિકાનો નહીં હોય.પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે, લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓના કહેવા પ્રમાણે જે-તે વખતે નરેન્દ્રભાઈ મોદીએ 14 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી, ત્યારબાદ તંત્રએ 20 કરોડની ગ્રાન્ટ પણ ફાળવી હતી પરંતુ આ બધું કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે.