એસટી બસનો કાચ તુટયો, મિની ટેમ્પાના એક બાજુના ભાગનો બુકડો બોલ્યો ટંકારા : ટંકારા - લતિપર હાઇવે ઉપર જબલપુર નજીક એસટી બસ અને મીની ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી અને બન્ને વાહનોમાં વધતા ઓછા પ્રમાણમાં નુકશાન પહોંચ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા લતીપર હાઈવે ઉપર જબલપુરથી થોડે દૂર પેટ્રોલ પંપ નજીક સરકારી એસટી બસ નંબર જીજે-18-ઝેડ-6754 અને મીની ટેમ્પો નંબર જીજે-13-એએક્ષ-2379 સામ સામે આવી જતા ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ આગળનો કાચ તૂટ્યો હતો જયારે મિની ટેમ્પોની એક સાઈડના ભાગને નુકશાન થયું હતું. આ અકસ્માતમાં ડ્રાઇવર પ્રવિણભાઈ પુજારા ઉ. વ 50 ને પગના ભાગે ગંભીર ઇજા થતાં ટંકારા 108 ને જાણ કરતા પાઈલોટ તથા ઈટીએમ રૂબિયાબેન ખુરેશી તાત્કાલિક ધટના સ્થાને પહોચી ધાયલને ચાલુ સારવારે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.