GCAS પોર્ટલ ઉપર ઓનલાઇન રજીસ્ટ્રેશન બાદ વિદ્યાર્થી જે તે કોલેજની પસંદગી કરે તો મેરીટ ના આધારે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને તેના ઈ મેઈલ ઉપર ઑફર લેટર મોકલવાના નિયમનો કોલેજોએ કર્યો ઉલાળીયોમોરબી : ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન માટે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન બાદ વિદ્યાર્થી જે તે કોલેજની પસંદગી કરે તો મેરીટના આધારે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને તેના ઈ મેઈલ ઉપર ઑફર લેટર મોકલવામાં આવે છે. જે બાદ જ વિદ્યાર્થીઓ જે તે કોલેજમાં જઈને એડમિશન મેળવી શકે છે. જોકે મોરબીની આર્યતેજ અને સર્વોપરી સહિતની કોલેજે વિદ્યાર્થીઓને ઓફર લેટર જ મોકલવામાં આવ્યા નથી.જોકે, આ વાત સ્નાતક કક્ષાના પ્રવેશના ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ GCASના નોડલ ઓફિસર ચંદ્રેશ કાનાબારના ધ્યાને આવી અને તેમના કહેવાથી કુલપતિ દ્વારા આવી કોલેજોનો માત્ર ખુલાસો પૂછવામાં આવ્યો છે. જોકે, આ પ્રકારની ગંભીર બેદરકારીમાં કુલપતિ દ્વારા એક પેનલ્ટી ફી નક્કી કરવામાં આવે છે, જે ભૂલ કરતી કોલેજોને ફટકારવાની હોય છે પરંતુ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આ પ્રકારની કોઈ જ પેનલ્ટી ખાનગી કોલેજોને કરવામાં આવી નથી. સંદેશના અહેવાલ મુજબ પ્રવેશના 3 તબક્કા સુધી વિદ્યાર્થીઓને એડમિશન માટે ઓફર લેટર ન આપતી કુલ 36 કોલેજોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માત્ર ખુલાસો પૂછવામાં આવ્યો છે. જેમાં વાંકાનેરની વી. એમ. મહેતા કોમ્પ્યુટર સાયન્સ ઍન્ડ મેનેજમેન્ટ કોલેજ, મોરબીની આર્યતેજ કોલેજ, નવા સાદુળકાની સર્વોપરી કોલેજ, હળવદની પારંગત કોલેજ, ટંકારાની મહર્ષિ દયાનંદ સરસ્વતી કોલેજ સહિતની કોલેજનો સમાવેશ થાય છે.સંદેશના અહેવાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે અમારા ધ્યાનમાં એવું આવ્યું કે, કેટલીક કોલેજોએ વિદ્યાર્થીઓને ઓફર લેટર આપ્યા નથી તો આવી કોલેજોને અમે ખુલાસો માંગતો પત્ર લખ્યો છે. જેને લઈને કોલેજ સંચાલકોની બેઠક પણ હતી. જેથી આ કોલેજોને વિદ્યાર્થીઓને ઉપર લેટર આપવા માટે કહેવામાં આવશે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતકના 15,000થી વધુ વિદ્યાર્થીઓએ ફી ભરીને એડમિશન કન્ફર્મ કરાવી લીધા છે.