સિવિલમાં 500 રેમડીસીવીર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થશે : મોરબી જિલ્લામાં 500 બેડની સુવિધા તુર્તમાં ઉપલબ્ધ કરાશે કોરોનાની સ્થિતિ અંગે જિલ્લા કલેકટરની પત્રકાર પરિષદ : પ્રભારી સચિવે જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરી સંતોષ વ્યક્ત કર્યો : લોકો આરટીપીસીઆર ટેસ્ટ કરાવે તેવી કલેકટરની અપીલ મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા દસથી પંદર દિવસમાં કોરોના જેટ ગતિએ ફેલાઈ રહ્યો છે અને આ ગંભીર સ્થિતિની સમીક્ષા માટે ખુદ જિલ્લાના પ્રભારી સચિવ મોરબી દોડી આવ્યા છે ત્યારે આજે મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હોવાનું અને કોરોનાના દર્દીઓ માટે 500 બેડની સુવિધા તુર્તમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ જણાવી સબ સલામતનો દાવો કર્યો હતો.આશ્ચર્ય તો એ વાતનું છે કે કોરોનાની સ્ફોટક સ્થિતિમાં પણ હળવદમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં ન આવતા હોવા છતાં આજની પત્રકાર પરિષદમાં હળવદમાં 30 બેડની સુવિધા હોવાનું જણાવાયું હતું.સાથે જ તેઓએ લોકોને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા ભાર પૂર્વક અપીલ પણ કરી હતી. મોરબીમાં કોરોના મહામારીની સ્થિતિ અંગે આજે જિલ્લા કલેકટર જે.બી.પટેલે પત્રકાર પરિષદ યોજી કોરોનાને ભરી પીવા જિલ્લાનું તંત્ર સજ્જ હોવાનો દાવો કર્યો હતો. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી દરરોજ 1500 જેટલા ટેસ્ટ થઇ રહ્યા છે અને ટેસ્ટ કીટની અછત વચ્ચે સાંજ સુધીમાં આરટીપીસીઆરની 6000 કીટ અને 3000 રેપિડ કીટ તેમજ 10 હજાર ફેબી ફલૂનો જથ્થો આવી જશે.આ ઉપરાંત મોરબી સિવિલમાં હાલમાં 60 રેમડીસીવીર ઇન્જેક્શન ઉપલબ્ધ છે અને સાંજ સુધીમાં વધુ 500 ઇન્જેક્શન આવી જશે તેમ ઉમેર્યું હતું. જિલ્લા કલેકટરે વર્તમાન કોરોનાની સ્થિતિ અંગે જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં જિલ્લામાં મોરબી સિવિલ હોસ્પિટલ,વાંકાનેર અને હળવદ હોસ્પિટલ તેમજ બે ખાનગી હોસ્પિટલ મળી કુલ 195 બેડની સુવિધા ઉપલબ્ધ છે જેમાં 107 બેડ ખાલી છે.આગામી દિવસોમાં હજુ પણ ખાનગી હોસ્પિટમાં કોરોના સારવાર ઉપલબ્ધ કરશે તેમ જણાવી જોધપર નદી ખાતે કડવા પાટીદાર સમાજ દ્વારા 300 બેડના કોવિડ કેર સેન્ટરને મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવી ઘુંટુ સ્થિત કોવિદ કેર સેન્ટરમાં પણ 50 બેડ વધારી શકાય તેમ હોવાનું ઉમેરી જિલ્લાની કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે આવેલા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા સાથે અઢીથી ત્રણ કલાક બેઠક યોજી હોવાનું અને જિલ્લાની કામગીરીથી તેઓ સંતુષ્ઠ હોવાનું જણાવ્યું હતું. આ તકે જિલ્લા કલેકટરે લોકોને એન્ટિજન ટેસ્ટ કરાવવાને બદલે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા ઉપર ભાર મુક્યો હતો. પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરા પણ હાજર રહ્યા હતા અને લોકોને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી સંક્રમણ અટકાવવા ભાર પૂર્વક જણાવી ચા-પાનના લારી ગલ્લે ભીડ જમાવતા લોકો તેમજ કામ વગર આંટાફેરા કરતા લોકોને પણ સંયમ રાખી નિયમ પાલન કરવા અનુરોધ કરી આજે માસ્ક વિતરણ કર્યા બાદ હવે દંડની પણ વસુલાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આશ્ચર્ય તો એ વાતનું છે કે જિલ્લા કલેકટર દ્વારા આજે હળવદ અને વાંકાનેરમાં કોવિડ હોસ્પિટલ ચાલુ હોવાનું જણાવ્યું હતું પરંતુ વાંકાનેર અને હળવદની હોસ્પિટલમાં ઓક્સિજન સહિતની વ્યવસ્થા ન હોવાનું અને હળવદમાં તો માત્ર 10 બેડનો એક કબાડખાના જેવો રૂમ જ કોવિડ સેન્ટર માટે ઉપલબ્ધ છે અને તેમાં પણ રસીકરણ કામગીરી થતી હોય હજુ સુધી કોવિડ સેન્ટર ચાલુ કરાયું નથી ત્યારે આરોગ્ય વિભાગે જિલ્લા કલેક્ટરને પણ ખોટું બ્રિફિંગ આપ્યું હોવાનું મનાઈ રહ્યું છે.