ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ અને ખેડૂતોની મોરબી કલેક્ટર કચેરીએ આક્રમક રજૂઆત..કોણે શું કહ્યું ? જુઓ વિગતવાર અહેવાલમોરબી : ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬મોરબી જિલ્લામાં ખેતરોમાં વીજ લાઈન નાખવાના મામલે ટ્રેક્ટર રેલી બાદ હાલ કલેકટર કચેરીએ કોગ્રેસના આગેવાનો અને ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યો છે. જ્યાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને પાલભાઈ આંબલિયા, લાલજી દેસાઈ સહિતના નેતાઓ અને ખેડૂતોએ કલેક્ટર સાથે રૂબરૂ મુલાકાત કરી હતી, જેમાં કંપનીઓની દાદાગીરી અને વળતરના મુદ્દે ઉગ્ર અને તર્કબદ્ધ ચર્ચા થઈ હતી.નેતાઓની કલેક્ટર સમક્ષ ધારદાર રજૂઆતો:વળતરનો મુદ્દો: ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ નવસારીના કલેક્ટરનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, 'નવસારીમાં બજાર ભાવના ૪ ગણા વળતરનો હુકમ થયો છે, જ્યારે અહીં ખેડૂતોને માત્ર જંત્રી ભાવે વળતર આપી અન્યાય કરવામાં આવે છે.'કંપનીઓની દાદાગીરી: જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે ખાનગી કંપનીના માણસો ખેડૂતોને ધમકાવે છે. તેમણે કલેક્ટરને વિનંતી કરી હતી કે 'કંપનીના પાંચ માણસોને બોલાવીને કહી દો કે ૧૦૦ દિવસ સુધી ખેતરમાં પગ ન મૂકે. જો કંપની ધમકી આપે તો તેમના પર FIR કરો.'પોલીસ રક્ષણ સામે વાંધો: નેતાઓએ રજૂઆત કરી હતી કે તમારા વિભાગના મૌનને કારણે પોલીસ દંડો લઈને ખેડૂતોના ખેતરમાં જાય છે. ખેડૂતોને કલેક્ટરના ઓર્ડરના નામે ધમકાવવામાં આવે છે, જે યોગ્ય નથી.નિયમોનું ઉલ્લંઘન: રજૂઆતમાં જણાવાયું હતું કે એનર્જી ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ સર્વે નંબર સાથેનું નોટિફિકેશન બહાર પડવું જોઈએ, જે અત્યાર સુધી બહાર પડ્યું નથી. કેરળ અને પંજાબ હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને લેવાની પણ અપીલ કરવામાં આવી હતી.'તમે ખેડૂતોના પક્ષે સ્ટેન્ડ લો' : જીગ્નેશ મેવાણી જીજ્ઞેશ મેવાણીએ કલેક્ટરને ઉદ્દેશીને કહ્યું હતું કે, 'અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્લીઝ, તમે ખેડૂતોના હિતમાં સ્ટેન્ડ લો. કંપનીવાળા આ દેશના બોસ નથી કે આટલી પાવર બતાવે. તમારી કચેરીમાંથી કોઈ માહિતી નથી આપી છતાં ખેતરમાં ફાઉન્ડેશન કેવી રીતે થઈ ગયું?''જો ન્યાય નહીં મળે તો કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર બેસીશું' - લાલજી દેસાઈકોંગ્રેસ આગેવાન લાલજી દેસાઈએ કલેક્ટર સમક્ષ રજૂઆત કર્યા બાદ જણાવ્યું હતું કે 'કલેક્ટર તો શું, હવે તો રાજ્યના મંત્રીઓ કે મુખ્યમંત્રી પણ કોઈ આશ્વાસન આપી શકે તેવી સ્થિતિમાં નથી. આખી સરકાર દિલ્હીથી અને ઉદ્યોગપતિઓના ઈશારે ચાલી રહી હોય તેવું લાગે છે.' તેઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આવનારા સમયમાં ખેડૂતોના વળતર અને વીજ લાઈનના મુદ્દાઓનો ઉકેલ નહીં આવે, તો તેઓ મોરબી કલેક્ટર કચેરી સામે જ ઉપવાસ આંદોલન પર ઉતરશે. તેમજ તેઓએ ખેડૂતોને અપીલ કરી છે કે જે નેતાઓ ખેડૂતોના હિતમાં ઉભા નથી રહેતા, તેમને ગામડાઓમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. માંડલ અને બેચરાજીની જેમ ગામોગામ વિરોધ પ્રદર્શનના બેનરો લગાવવામાં આવશે.'બધાનો ચાળો કરાય, પણ ખેડૂતોનો ચાળો ન કરાય, અમારી લડત હવે આરપારની છે' – પાલભાઈ આંબલીયામોરબી કલેક્ટર કચેરી ખાતે ખેડૂત પ્રતિનિધિમંડળ સાથેની બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા ખેડૂત નેતા પાલભાઈ આંબલીયાએ સરકાર અને વહીવટી તંત્રની કાર્યશૈલી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. પાલભાઈએ આક્ષેપ કર્યો હતો કે કલેક્ટર અત્યારે 'મૂકપ્રેક્ષક' બનીને બધું જોઈ રહ્યા છે, કારણ કે તેમના પર ગાંધીનગરથી મંત્રીઓ અને સચિવોનું ભારે દબાણ છે. તેમણે જણાવ્યું કે વીજ કંપનીઓ CERC (Central Electricity Regulatory Commission) ના નિયમોનું પાલન કર્યા વગર, કોઈપણ લાયસન્સ દર્શાવ્યા વિના સીધી ખેડૂતોના ખેતરમાં કામ શરૂ કરી દે છે, જે ગેરકાયદેસર છે. પાલભાઈએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો કંપનીઓ કામ બંધ નહીં કરે અને ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે, તો તેઓ કલેક્ટર કચેરી સામે જ ઉપવાસ પર બેસી જશે. આ ઉપરાંત, આગામી દિવસોમાં આનાથી ૧૦ ગણી તાકાત સાથે ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવો કરવાની પણ તેમણે તૈયારી દર્શાવી છે. સાથે કહ્યું હતું કે બધાનો ચાળો કરાય, પણ ખેડૂતોનો ચાળો ન કરાય, અમારી લડત હવે આરપારની છે.આગેવાનોની રજૂઆત બાદ જીલ્લા કલેક્ટર કિરણ ઝવેરીએ શું નિવેદન આપ્યું ?ખેડૂત પ્રતિનિધિમંડળની રજૂઆતો સાંભળ્યા બાદ કલેક્ટરે જણાવ્યું હતું કે, ખેડૂતો અને આગેવાનો દ્વારા જે માંગણીઓ કરવામાં આવી છે તેનું આવેદન પત્ર સ્વીકારવામાં આવ્યું છે. ખાસ કરીને વળતરના દરમાં વધારો અને કંપનીઓની કાર્યપદ્ધતિ અંગેની ફરિયાદો પર ધ્યાન આપવામાં આવશે. ખેડૂતોની માંગણી છે કે તેમને નવી SOP મુજબ અથવા બજાર ભાવ પ્રમાણે વળતર મળે. આ બાબતે વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના સંબંધિત વિભાગો (ઊર્જા વિભાગ) ને વિગતવાર અહેવાલ મોકલવામાં આવશે. તેમજ પોલીસે ટ્રાફિક અને સુરક્ષાના કારણોસર જે પગલાં લીધા હતા તે અંગે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી કે શાંતિ જળવાઈ રહે તે પ્રાથમિકતા છે. ખેડૂતો અને વીજ કંપનીઓ વચ્ચે જે ગેરસમજ કે વિવાદ છે, તેને ઉકેલવા માટે વહીવટી તંત્ર મધ્યસ્થી તરીકે કામ કરશે તેવી ખાતરી તેમણે આપી હતી.