કલેકટર કિરણ ઝવેરીએ આરોગ્ય સેવાને સઘન બનાવવા તાકીદ કરી, હવે તમામ કચેરીઓની હાજરી ઉપર વોચ રખાશેમોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં અચાનક કલેકટર ત્રાટકયા હતા. જેમાં સિવિલ અધિક્ષક જ સમયસર હોસ્પિટલમાં હાજર મળી આવ્યા ન હતા. જેને પગલે કલેકટરે તમામ સ્ટાફને સમયસર હાજર રહેવા, વર્તન સારું રાખવા તાકીદ કરી હતી.મોરબી કલેકટર કિરણ ઝવેરીએ અગાઉ સ્વચ્છતા અભિયાન ઉપર જોર આપ્યા બાદ હવે આરોગ્ય સેવા સઘન બનાવવા કમર કસી છે. જેમાં તેઓએ ડે. કલેકટર સુશીલ પરમાર, સીટી મામલતદાર વાળા સહિતનાને સાથે રાખી દોઢ કલાક સુધી સિવિલ હોસ્પિટલની વિઝીટ લીધી હતી. આ વેળાએ તમામ વિભાગ જેમાં વોર્ડ, લેબોરેટરી, બ્લડ બેન્ક, દર્દીઓને અપાતું ભોજન, રસોડું, સ્ટાફ સમયસર આવે છે કે કેમ, સાફ સફાઈ વગેરેની ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં અમુક સ્ટાફ સમયસર ન આવતો હોવાનું તેમજ અમુક વિભાગમાં યોગ્ય રીતે સફાઈ ન થતી હોવાની, તેમજ ઓપીડી વિભાગમાં દર્દીને બેસવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાની, અને અમુક દવાઓ બહારની લખી આપતા હોવાની, ભોજન બનાવતી વખતે શુદ્ધતા ન જળવાતી હોવાની સહિતની તૃટીઓ જોવા મળી હતી. જેને યોગ્ય કરવાની અને દર્દીઓને ખાનગી હોસ્પિટલ જેવી સગવડતા પુરી પાડવાની કલેકટરે તાકીદ કરી હતી.જો કે કલેકટરની ઓચિંતી મુલાકાતથી સિવિલ હોસ્પિટલમાં ભાગદોડ મચી હતી અને જે સ્ટાફ કામ નહોતું કરતો તે ફટાફટ બધું સરખું કરવા અને સમું સુથરું કરવામાં લાગી ગયો હતો અને સફાઈ કરવા લાગ્યો હતો. આમ છતાં અમુક ક્ષતિઓ ઉડીને આંખે વળગી હતી. જો કે કલેકટરે વિઝીટ બાદ બધું બરાબર હોવાનું જણાવીને સેવાને વધુ અસરકારક બનાવવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.