અત્યારે તમામ વિસ્તારોનો સર્વે કરી આવતીકાલે સવારથી કામગીરી શરૂ કરી દેવાશેમોરબી : મોરબીમાં સમસ્યાઓથી કંટાળેલા શહેરીજનો હવે જનઆંદોલન તરફ વળી રહ્યા છે. ત્યારે તંત્રએ પણ લોકોની તકલીફોને ગંભીરતાથી ધ્યાને લઇ એક્શન શરૂ કરી દીધા છે. કલેકટર, કમિશનર અને ધારાસભ્ય કાંતિલાલ દ્વારા અત્યારે સમગ્ર શહેરની સમસ્યાઓનું નિરીક્ષણ કરવા નાઈટ સર્વે શરૂ કરવામાં આવ્યો છે.આ મામલે જિલ્લા કલેકટર દ્વારા જણાવાયુ છે કે અધિકારીઓ દ્વારા અત્યારે શહેરના તમામ વિસ્તારોમાં તેઓ ફરશે. જ્યાં તેઓ દ્વારા ખાડાઓ તેમજ પાણી ભરાવા સહિતની સમસ્યાઓનું નિરીક્ષણ કરવામાં આવશે. જ્યાં મેજર સમસ્યા હશે ત્યાં લોન્ગ ટર્મ પ્લાનિંગ સાથે કામ કરવામાં આવશે. બાકીની જગ્યાએ આવતીકાલે સવારથી જ કામ શરૂ કરી દેવામાં આવશે. જ્યાં પાણી ભરાયેલા છે. ત્યાં જરૂર પડ્યે વધારાના પંપની વ્યવસ્થા ગોઠવીને તાત્કાલિક પાણી નિકાલની કામગીરી કરવામાં આવશે. આ નાઈટ સર્વેમાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ડે. કમિશનર સંજય સોની, ડે. કલેકટર સુશીલ પરમાર, ઉમંગ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા છે. તેઓ દ્વારા અત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે. આ સાથે સ્થાનિકોને પણ સાંભળવામાં આવશે.