આ ઘટનાનો ભૂકંપ સાથે કોઈ સંબંધ નથી, વરસાદને લીધે હવા ટ્રેપ થતાં પાણી હલે છે: જીઓલોજીસ્ટના પ્રાથમિક રિપોર્ટ બાદ કલેકટરે લોકોને પાણીથી દૂર રહેવા તાકીદ કરીમોરબી અપડેટ : મોરબીના વિરપરડા ગામે છેલ્લા 5 દિવસથી એક કૂવામાંથી પાણી હલવાની (ઉછળવાની) ઘટનાએ ભારે કુતૂહલ સર્જ્યું છે. આ ઘટનાને જોવા લોકોના મોટા ટોળા ઉમટી રહ્યા છે. ત્યારે આ મામલે મોરબી જિલ્લા કલેકટરે મહત્વની સ્પષ્ટતા કરી છે અને લોકોને સુરક્ષાના ભાગરૂપે કૂવા પાસે ન જવા ખાસ અપીલ કરી છે.જિલ્લા કલેકટરે મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ડિસ્ટ્રિક્ટ જીઓલોજીસ્ટની ટીમે સ્થળની મુલાકાત લીધી છે. તેમના પ્રાથમિક તારણ મુજબ, વરસાદને કારણે જમીનની અંદર નાના એક્વીફરમાં હવા ટ્રેપ થઈ ગઈ છે. હવાની મુવમેન્ટના કારણે કૂવાનું પાણી ઉપર તરફ હલી રહ્યું છે. આ માત્ર એક સ્થાનિક ઘટના છે અને આસપાસના અન્ય જળાશયોમાં આવું જોવા મળ્યું નથી.કલેકટરે સ્પષ્ટ કર્યું હતું કે, આ ઘટનાને ભૂકંપ સાથે કોઈ નિસ્બત નથી. ગાંધીનગર સિસ્મિક સેન્ટરમાં તપાસ કરતા છેલ્લા 5 થી 10 દિવસમાં ગુજરાતમાં કોઈ પણ પ્રકારની સિસ્મિક એક્ટિવિટી (ભૂકંપ) નોંધાઈ નથી. તેથી લોકોએ આવી કોઈ પણ અફવાઓ પર ધ્યાન આપવું નહિ. વધુ તપાસ માટે ગુજરાત ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના નિષ્ણાતોને પણ જાણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ ટીમ વિરપરડાની મુલાકાત લેશે અને હાઇડ્રોલોજીના સાધનો દ્વારા કયા કારણોસર હવા ટ્રેપ થઈ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી વિસ્તૃત રિપોર્ટ સોંપશે. જિલ્લા કલેકટરે વિરપરડા ગામના તેમજ આસપાસથી આવતા તમામ લોકોને અપીલ કરી છે કે, હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે, ત્યારે કોઈપણ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે લોકોએ પાણીથી અને આ કૂવાવાળી જગ્યાથી દૂર રહેવું જોઈએ.#Morbi #MorbiUpdate #Virparada #MorbiCollector #WaterWell #ViralNews #MorbiNews #GujaratRain #GroundWater