બુધવારે એક પણ તાલુકામાં વરસાદ ન નોંધાતા રાહત : આકાશ ચોખ્ખું થતા જ ગુલાબી ઠંડી, હજુ પારો ગગડશે મોરબી : રાજ્યમાં કમોસમી વરસાદની બુધવરથી વિદાય થઇ છે, બુધવારે એક પણ તાલુકામાં વરસાદ વરસ્યો ન હતો.બીજીતરફ આકાશ સ્વચ્છ થતા જ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવન ફૂંકાવાની સાથે જ અમરેલીમાં લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી 17.2 ડિગ્રી પર સ્થિર થયો હતો. રાજકોટમાં બુધવારે લઘુતમ તાપમાન એક ડિગ્રી ઘટી 20 ડિગ્રી નોંધાયું હતું.રાજ્યમાં દિવાળી બાદથી શરૂ થયેલ કમોસમી વરસાદનો કહેર દિવાળી સુધી ચાલુ રહયા બાદ વરસાદી સિસ્ટમ વિખેરાઈ જતા રાજ્યમાં બુધવારે એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો. સાથે જ વાદળો વિખેરાઈ જતા વાતાવરણ ચોખ્ખું થતા શિયાળાની શરૂઆત થઇ છે. બુધવારે સવારે ઝાકળવર્ષા સાથે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યો હતો. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલીમાં 17.2 ડિગ્રી, નલિયામાં 19, દીવમાં 19.7, રાજકોટમાં 20, ભાવનગરમાં 20.8, ડીસામાં 21.1 ડિગ્રી ગાંધીનગરમાં 21.2, જામનગરમાં 21.3 ડિગ્રી અને પોરબંદરમાં 22 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. મહત્વનું છે કે, હાલમાં દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે અને આગામી છ દિવસમાં હજુ પણ લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.